21 July, 2026 09:27 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ઈરાનમાં સુન્ની સમુદાયના દિગ્ગજ નેતા અને ધર્મગુરુ મૌલવી મોહમ્મદ અનવર રીગીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી
અમેરિકા અને ઈરાન વચ્ચે નવેસરથી શરૂ થયેલો સંઘર્ષ દસમા દિવસમાં પ્રવેશ્યો છે ત્યારે અમેરિકાએ ઈરાનને વચગાળાના શાંતિકરારને પુનર્જીવિત કરવાના પ્રયાસરૂપે ૧૦ દિવસના યુદ્ધવિરામનો પ્રસ્તાવ મોકલ્યો છે. મધ્યસ્થીઓએ આ પ્રસ્તાવ ઈરાન સાથે શેર કર્યો છે, જેનાથી બન્ને પક્ષો ગયા મહિને થયેલા વચગાળાના કરારને પુનર્જીવિત કરવાના માર્ગો શોધી શકશે. આ મુદ્દે ઈરાની વિદેશમંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાગાઇએ કહ્યું હતું કે ઈરાનને મધ્યસ્થીઓ તરફથી કેટલાક પ્રસ્તાવો મળ્યા છે.
રોજિંદા હુમલાઓ છતાં બન્ને પક્ષોએ કહ્યું હતું કે વાટાઘાટો દ્વારા સમાધાન માટેના પ્રયાસો ચાલુ છે. અમેરિકાના વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ પણ સંકેત આપ્યો હતો કે અમેરિકા અને ઈરાન સંઘર્ષનો વાટાઘાટો દ્વારા ઉકેલ શોધવા તૈયાર છે.
ઈરાનમાં દિગ્ગજ સુન્ની ધર્મગુરુની ગોળી મારીને હત્યા
અમેરિકા સાથે ચાલી રહેલા સૈન્યસંઘર્ષ વચ્ચે ઈરાનમાં સુન્ની સમુદાયના દિગ્ગજ નેતા અને ધર્મગુરુ મૌલવી મોહમ્મદ અનવર રીગીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા સશસ્ત્ર આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો, જેમાં તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બલૂચ સમુદાયના અગ્રણી નેતા મૌલવી અનવર મિર્જાવેહ પ્રાંતની એક મસ્જિદમાં ઇમામ-એ-જુમ્મા તરીકે શુક્રવારની નમાજની આગેવાની કરતા હતા.