યુદ્ધવિરામ લંબાવાની સંભાવના નહીંવત, શું ફરી યુદ્ધ શરૂ થશે?

22 April, 2026 09:32 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ઈરાની સરકારી ટેલિવિઝને મંગળવારે એક સંદેશો પ્રસારિત કરીને કહ્યું હતું કે ઈરાન તરફથી કોઈ પ્રતિનિધિ ઈસ્લામાબાદ હજી સુધી નથી ગયું.

ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં લાગુ પડેલા બે અઠવાડિયાંના યુદ્ધવિરામ પૂર્ણ થવાના આરે છે. બન્ને દેશો વચ્ચે બીજા રાઉન્ડની શાંતિમંત્રણા થશે કે નહીં થાય એ વિશે કોઈ સ્પષ્ટતા નથી એવામાં અમેરિકાના પ્રેસિડન્ટે એક જાહેરાત કરી દીધી છે કે હવે યુદ્ધવિરામ લંબાવવામાં નહીં આવે. એક ન્યુઝ ચૅનલ સાથેની વાતચીતમાં ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ‘અમેરિકા અને ઈરાન વચ્ચે બહુ જલદી એક મોટી ડીલ થઈ શકે એમ છે. હાલની પરિસ્થિતિમાં ઈરાન પાસે સમાધાન કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. જો ડીલ ન થઈ તો અમેરિકાની સેના હુમલો કરવા માટે તૈયાર છે. આદેશ મળતાં જ આ વખતે પહેલાં કરતાં વધુ ભારે હુમલા થશે. અમારી પાસે બહુ હથિયારો છે. આ સમયનો ઉપયોગ અમે તૈયારીઓ માટે કર્યો છે.’

બીજી તરફ વાઇટહાઉસના અધિકારીઓનું કહેવું હતું કે જો ઈરાન બીજા રાઉન્ડની શાંતિમંત્રણા માટે તૈયાર થઈ જાય તો યુદ્ધવિરામ લંબાવવામાં આવે એવી સંભાવના છે.  ઈરાની સરકારી ટેલિવિઝને મંગળવારે એક સંદેશો પ્રસારિત કરીને કહ્યું હતું કે ઈરાન તરફથી કોઈ પ્રતિનિધિ ઈસ્લામાબાદ હજી સુધી નથી ગયું.

આઠ ઈરાની મહિલાઓ પર ટ્રમ્પ મહેરબાન બન્યા 

શાંતિમંત્રણામાં આઠ મહિલાઓને છોડવાની નવી શરત ઉમેરીને ઇમોશનલ કાર્ડ રમવાની કોશિશ કરી અમેરિકન પ્રેસિડન્ટે એક તરફ અમેરિકા-ઈરાન વચ્ચે પરમાણુ નિઃશસ્ત્રીકરણના મુદ્દે ખુવારી નોંતરતું યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ડોનલ્ડ ટ્રમ્પે ઈરાની લોકોની લાગણીઓ જીતવા માટે આઠ ઈરાની મહિલાઓનું ઇમોશનલ શસ્ત્ર બહાર કાઢ્યું છે. આ ૮ મહિલાઓને ઈરાનમાં ફાંસીની સજા જાહેર કરવામાં આવે છે. ટ્રમ્પે તેમણે પોતે શરૂ કરેલા સોશ્યલ મીડિયા ટ્રુથ સોશ્યલ પર આ ૮ મહિલાઓની તસવીર શૅર કરીને લખ્યું હતું, ‘જે પ્રતિનિધિઓ શાંતિમંત્રણા માટે વાટાઘાટો કરવાના છે તેમની વાતચીત ત્યારે જ સફળ થશે જ્યારે આ મહિલાઓ આઝાદ થશે. મને વિશ્વાસ છે કે ઈરાની નેતા આ વાતનું સન્માન કરશે. પ્લીઝ તેમને કોઈ નુકસાન ન પહોંચાડશો. આ આપણી વાતચીતની શાનદાર શરૂઆત હશે.’

international news world news iran israel middle east crisis united states of america donald trump