ઝેલેન્સ્કી સાથે વિવાદ બાદ અમેરિકાએ યુક્રેનને આપવામાં આવતી સૈન્ય-સહાય રોકી દીધી

05 March, 2025 08:42 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અમેરિકાએ એક મોટું પગલું ઉઠાવીને યુક્રેનને આપવામાં આવતી સૈન્ય-સહાય રોકી દીધી છે. 

ડોનલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના પ્રેસિડન્ટ વોલોદિમીર ઝેલેન્સ્કી

ગયા અઠવાડિયે વાઇટ હાઉસમાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના પ્રેસિડન્ટ વોલોદિમીર ઝેલેન્સ્કી વચ્ચે થયેલા વિવાદ બાદ અમેરિકાએ એક મોટું પગલું ઉઠાવીને યુક્રેનને આપવામાં આવતી સૈન્ય-સહાય રોકી દીધી છે. 

આ મુદ્દે વાઇટ હાઉસના અધિકારીએ કહ્યું હતું કે ‘અમેરિકા યુક્રેનને આપવામાં આવતી સહાય રોકે છે અને એની સમીક્ષા કરે છે. આ રોક ત્યાં સુધી રહેશે જ્યાં સુધી ટ્રમ્પ એ નક્કી નથી કરતા કે યુક્રેનના નેતા શાંતિ પ્રત્યે સદ‌્ભાવનાપૂર્ણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે કે નહીં. આ સહાય કાયમ માટે સમાપ્ત નથી થઈ.’

એવું જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પ રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધને પૂર્ણ રીતે સમાપ્ત કરાવવા માટે યુક્રેન પર દબાવ બનાવવા ઇચ્છે છે. તેઓ ઇચ્છે છે કે ઝેલેન્સ્કી તેમને સાથ આપે. બીજી તરફ ઝેલેન્સ્કી યુદ્ધ સમાપ્ત કરવા માટે સુરક્ષાની ગૅરન્ટી માગી રહ્યા છે.

જોકે અમેરિકન કૉન્ગ્રેસમાં ડેમોક્રેટિક પાર્ટીના સંસદસભ્યો યુક્રેનને આપવામાં આવતી સહાય રોકવામાં આવતાં ટ્રમ્પ પર ધૂંઆપૂંઆ થયા છે. તેમનું કહેવું છે કે અમેરિકાએ યુક્રેનને આપવામાં આવતી સહાય બંધ કરીને રશિયાના પ્રેસિડન્ટ પુતિનને યુક્રેન પર હિંસક હુમલો કરવાની ખુલ્લી છૂટ આપી દીધી છે, આનાં પરિણામ ઘાતક રહેશે.

international news world news donald trump united states of america ukraine