02 October, 2026 12:13 PM IST | Dubai | Gujarati Mid-day Correspondent
પ્રથમ એતિહાદ રેલ પૅસેન્જર ટ્રેન-સર્વિસ
યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં બુધવારે ૩૦ સપ્ટેમ્બરે દુબઈની પ્રથમ એતિહાદ રેલ પૅસેન્જર ટ્રેન-સર્વિસનો પ્રારંભ થયો હતો. આ સર્વિસ દુબઈને અબુ ધાબી અને ફુજૈરાહ સાથે જોડશે, જેનાથી ત્રણેય શહેરો વચ્ચે કનેક્ટિવિટી મજબૂત બનશે તેમ જ પ્રવાસન અને વ્યાપારિક પ્રવૃત્તિઓને વેગ મળશે.
UAEની પ્રથમ પૅસેન્જર ટ્રેન અગાઉ ૩૦ જૂને અબુ ધાબી અને ફુજૈરાહ વચ્ચે શરૂ થઈ હતી. આ ટ્રેનમાં વાયરલેસ ઇન્ટરનેટ, દરેક સીટ પર ચાર્જિંગ પોર્ટ અને સામાન મૂકવાની પૂરતી જગ્યા જેવી આધુનિક સુવિધાઓ છે. પ્રવાસીઓ મોબાઇલ ઍપ્લિકેશન, વેબસાઇટ અને સ્ટેશનો પરના વેન્ડિંગ મશીનથી ટિકિટ બુક કરી શકે છે. દુબઈની નોલ સિસ્ટમ સાથે જોડાણ હોવાથી એક જ ક્વિક રિસ્પૉન્સ (QR) કોડ દ્વારા ટ્રેન, મેટ્રો, ટ્રામ અને બસમાં મુસાફરી થઈ શકશે.
દુબઈથી અબુ ધાબીનું ભાડું કમ્ફર્ટ ક્લાસમાં ૧૦૧૯ રૂપિયા અને પ્રીમિયમ ક્લાસમાં ૨૮૪૮ રૂપિયા છે. દુબઈથી ફુજૈરાહનું ભાડું કમ્ફર્ટ ક્લાસમાં ૭૫૮ રૂપિયા અને પ્રીમિયમ ક્લાસમાં ૨૩૨૬ રૂપિયા તેમ જ અબુ ધાબીથી ફુજૈરાહનું ભાડું કમ્ફર્ટ ક્લાસમાં ૧૪૩૭ રૂપિયા અને પ્રીમિયમ ક્લાસમાં ૩૧૩૬ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.