બંગલાદેશમાં આજે હાઈ અલર્ટ

13 November, 2025 09:00 AM IST  |  Bangladesh | Gujarati Mid-day Correspondent

શેખ હસીના વિરુદ્ધ ચુકાદાની તારીખ આજે જાહેર થશે, અવામી લીગે લૉકડાઉનની જાહેરાત કરી

પ્રધાન શેખ હસીના

બંગલાદેશની ઇન્ટરનૅશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલ (ICT) આજે ભૂતપૂર્વ વડાં પ્રધાન શેખ હસીના વિરુદ્ધ ચુકાદાની તારીખ જાહેર કરશે. શેખ હસીના પર હત્યાઓ સહિતના માનવતા વિરુદ્ધના ગુનાઓનો સમાવેશ થાય છે. આ કેસ ગયા જુલાઈના બળવા સાથે સંબંધિત છે, જેમાં આશરે ૧૪૦૦ લોકોએ જીવ ગુમાવ્યો હતો. ચુકાદાની જાહેરાત પહેલાં બંગલાદેશમાં તનાવ વધતાં દેશભરમાં હાઈ અલર્ટ જાહેર કરવામાં આવી છે. દેશભરનાં ઍરપોર્ટ‌્સ અને મુખ્ય સ્થાપનો પર સેના અને પોલીસ સહિત સુરક્ષા દળોને તહેનાત કરવામાં આવ્યાં છે.

બંગલાદેશ અવામી લીગે આજે રાષ્ટ્રવ્યાપી સવારથી સાંજ સુધી લૉકડાઉનની જાહેરાત કરી છે. એણે સમાજનાં તમામ ક્ષેત્રોના લોકોને આ કાર્યક્રમમાં હાજરી આપવા અપીલ કરી છે. નોબેલ પુરસ્કારવિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર દ્વારા અવામી લીગ અને એની સાથે સંકળાયેલાં સંગઠનોની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યા બાદ પક્ષના નેતાઓ સોશ્યલ મીડિયા દ્વારા અજ્ઞાત સ્થળોએથી આ કાર્યક્રમની જાહેરાત કરી રહ્યા છે. તેઓ ઑનલાઇન પણ સક્રિયપણે પ્રચાર કરી રહ્યા છે.

હિંસાના બનાવો સામે આવ્યા

છેલ્લા બે દિવસમાં બંગલાદેશની રાજધાની ઢાકા સહિત વિવિધ ભાગોમાંથી વાહનોમાં આગ લગાડવાના અને વિસ્ફોટોના અહેવાલો સામે આવ્યા છે. અવામી લીગના સમર્થકો પણ દેશભરમાં રૅલીઓ કાઢી રહ્યા છે. પોલીસે પાર્ટીના નેતાઓ અને કાર્યકરોની ધરપકડ કરવા માટે કાર્યવાહી શરૂ કરી છે, જ્યારે સુરક્ષા દળોએ મુખ્ય રસ્તાઓ પર ચેકપૉઇન્ટ અને વાહન-તપાસ ગોઠવી છે.

હસીનાએ કરેલી કોર્ટની સ્થાપના 
શેખ હસીનાના કાર્યકાળ દરમ્યાન બંગલાદેશના ૧૯૭૧ના મુક્તિ યુદ્ધ દરમ્યાન પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા માનવતા વિરુદ્ધના ગુનાઓની તપાસ અને કાર્યવાહી કરવા માટે ICTની સ્થાપના કરવામાં આવી હતી. એ સમયે ટ્રિબ્યુનલે ઘણા જમાત-એ-ઇસ્લામી નેતાઓ પર યુદ્ધગુનાઓ માટે કાર્યવાહી કરી હતી. વર્તમાન વચગાળાની સરકારે હવે કાનૂની માળખામાં સુધારો કર્યો છે અને આ ટ્રિબ્યુનલમાં શેખ હસીના સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. આ કેસમાં જુબાનીની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને ટ્રિબ્યુનલ આજે ભૂતપૂર્વ વડાં પ્રધાન સામે એના ચુકાદાની તારીખ જાહેર કરશે.

international news world news sheikh hasina bangladesh political news