ઘરે દાદા-દાદીની હત્યા કર્યા પછી તેમની પિસ્ટલ લઈને સ્કૂલમાં આવ્યો અને બેફામ ગોળીબાર કર્યો

08 August, 2026 10:40 AM IST  |  Thailand | Gujarati Mid-day Correspondent

થાઇલૅન્ડમાં ૧૪ વર્ષના વિદ્યાર્થીએ ક્લાસરૂમમાં અંધાધૂંધ ફાયરિંગ કરીને ૮ લોકોના જીવ લીધા, પછી આત્મહત્યા કરી લીધી : બાવીસ ઘાયલ, મરણાંક વધવાની શક્યતા

ક્લાસરૂમમાં ફાયરિંગ કર્યા પછી ભાગતો ટીનેજર

થાઇલૅન્ડની રાજધાની બૅન્ગકૉકને અડીને આવેલા નોન્થાબુરી પ્રાંતના બેન્ક ક્રુઇ જિલ્લામાં એક સ્કૂલમાં ગઈ કાલે એક સગીર વિદ્યાર્થીએ મોતનું તાંડવ મચાવ્યું હતું. દેબસિરિન સ્કૂલમાં ૧૪ વર્ષના નવમા ધોરણમાં ભણતા તેજસ્વી વિદ્યાર્થીએ ક્લાસરૂમ અને કૉરિડોરમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ પર કરેલા ગોળીબારમાં ૮ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને આશરે બાવીસ લોકો ઘાયલ થયા હતા. ઘાયલો હૉસ્પિટલોમાં જીવ માટે ઝઝૂમી રહ્યા છે. આ સગીરે પછી પોતાના પર ગોળી મારી હતી. હૉસ્પિટલ લઈ જતાં રસ્તામાં તેનું મૃત્યુ થયું હતું. ઑનલાઇન ગેમ્સનો શોખીન આ સગીર ઘરે પોતાનાં જ દાદા અને દાદીની હત્યા કરીને તેમની ૯ એમએમ પિસ્ટલ સ્કૂલમાં લઈ ગયો હતો.

પોલીસ હાલમાં હુમલા પાછળના હેતુની તપાસ કરી રહી છે. થાઇલૅન્ડના વડા પ્રધાને આ હિચકારી ઘટનાની નિંદા કરી છે.

આ ઘટના મુદ્દે પોલીસે જણાવ્યું હતું કે વિદ્યાર્થીએ પહેલાં તેના ક્લાસમાં ગોળીબાર કર્યો અને પછી બહાર ગયો હતો. તેણે વીસથી વધુ ગોળીઓ ચલાવી હતી. તેના કબજામાંથી ૩૦ જીવંત કારતૂસ મળી આવી હતી.

thailand bangkok murder case international news news world news