16 May, 2025 07:02 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent
આતંકવાદી મસૂદ અઝહર
ભારતે પાકિસ્તાનના આતંકવાદી અડ્ડાઓને નષ્ટ કરવા ચલાવેલા અભિયાન ઑપરેશન સિંદૂરમાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના વારસદારોને એક-એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે કરી છે. ભારતના મોસ્ટ વૉન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના ૧૪ જણ આ ઑપરેશનમાં ઠાર થયા હતા. યુનાઇટેડ નેશન્સ દ્વારા આતંકવાદી જાહેર કરાયેલા અને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM)ના ચીફ મસૂદ અઝહરને પાકિસ્તાન સરકાર વળતર તરીકે ૧૪ કરોડ રૂપિયા ચૂકવી શકે છે.
ઑપરેશન સિંદૂર હેઠળ ભારતીય હવાઈ હુમલામાં બહાવલપુરમાં આતંકવાદી કૅમ્પોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ શહેર પાકિસ્તાનનું બારમું સૌથી મોટું શહેર અને જૈશ-એ-મોહમ્મદનું ઑપરેશનલ હબ છે. લાહોરથી આશરે ૪૦૦ કિલોમીટર દૂર આવેલા આ શહેરમાં જામિયા મસ્જિદ સુભાન અલ્લાહ ખાતે જૈશનું મુખ્ય મથક છે, જેને ઉસ્માન-ઓ-અલી કૅમ્પસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
મસૂદ અઝહરે કોને-કોને ગુમાવ્યા?
ઑપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરને મોટો ફટકો પડ્યો હતો. આ ઑપરેશનમાં માર્યા ગયેલા તેના પરિવારજનોમાં તેની મોટી બહેન અને તેનો પતિ, એક ભત્રીજો અને તેની પત્ની, એક ભત્રીજી અને તેના એક્સટેન્ડેડ પરિવારનાં પાંચ બાળકોનો સમાવેશ થાય છે. અઝહર એકમાત્ર જીવિત કાનૂની વારસદાર હોવાથી પરિવારના ૧૪ સભ્યો માટે કુલ ૧૪ કરોડ રૂપિયાની તેને ચુકવણી થઈ શકે એમ છે.
ભારત માટે ચિંતાનો વિષય
શાહબાઝ શરીફની જાહેરાતમાં ભારતીય હુમલામાં નાશ પામેલાં ઘરોનું પુનઃ નિર્માણ કરવાની પ્રતિબદ્ધતા પણ સામેલ છે. ભારતે આ ઑપરેશનમાં માત્ર આતંકવાદી અડ્ડાઓને નિશાન બનાવ્યા હતા અને કોઈ નાગરિક વિસ્તારોને અસર થઈ નહોતી. પાકિસ્તાન હવે માળખાંઓનું પુનઃ નિર્માણ કરવાનું વચન આપી રહ્યું છે એટલે ભારત નજીકથી દેખરેખ રાખશે કે શું આ સુવિધાઓ ફરીથી આતંકવાદી તાલીમ અથવા પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવાય છે કે નહીં.