21 June, 2025 12:33 PM IST | Dubai | Gujarati Mid-day Correspondent
પવેલ દુરોવે
ટેલિગ્રામના અબજોપતિ સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) પવેલ દુરોવે જાહેરાત કરી છે કે તેઓ તેમની ૧૭ બિલ્યન ડૉલર (આશરે ૧,૪૭,૩૧૬ કરોડ રૂપિયા)ની સંપત્તિ તેમનાં ૧૦૦થી વધુ બાળકોમાં વહેંચવાની યોજના ધરાવે છે. પવેલ ખુદ ત્રણ પાર્ટનરથી ૬ બાળકોના બાયોલૉજિકલ પિતા છે, જ્યારે બાકીનાં ૧૦૦ બાળકો તેમના સ્પર્મ-ડોનેશનને કારણે જન્મ્યાં છે.
બધાં બાળકોને સમાન અધિકારો
એક ફ્રેન્ચ મૅગેઝિન સાથેની મુલાકાતમાં ૪૦ વર્ષના પવેલ દુરોવે કહ્યું હતું કે ‘હું સ્પષ્ટ કરવા માગું છું કે હું મારાં બાળકોમાં કોઈ ફરક પાડતો નથી. કેટલાંક એવાં છે જેઓ કુદરતી રીતે ગર્ભધારણથી જન્મ્યાં છે અને બાકીનાં મારા સ્પર્મ-ડોનેશનથી જન્મ્યાં છે. તે બધાં મારાં બાળકો છે અને બધાં બાળકોને સમાન અધિકારો મળશે.’
સમાનતાની આ ઘોષણા છતાં પવેલ દુરોવે ઉમેર્યું હતું કે ‘આ બાળકોને આગામી ૩૦ વર્ષ સુધી તેમના વારસામાંથી ભાગ નહીં મળે. મારાં બાળકોને આજથી શરૂ કરીને ૩૦ વર્ષનો સમયગાળો પસાર ન થાય ત્યાં સુધી મારી સંપત્તિમાંથી ભાગ નહીં મળે.’
૧૫ વર્ષથી સ્પર્મ-ડોનેશન
પવેલ દુરોવ ટેક જગતમાં એક કરિશ્મામય વ્યક્તિ છે. તેમણે વિશ્વની સૌથી લોકપ્રિય મેસેજિંગ ઍપ્લિકેશનોમાંથી એક ટેલિગ્રામની સ્થાપના કરી છે. તે શરાબ, કૉફી અને ચા જેવાં વ્યસનોથી પણ દૂર રહે છે. તેમની દિનચર્યામાં ૩૦૦ પુશ-અપ્સ અને ૩૦૦ સ્ક્વૉટ્સનો સમાવેશ થાય છે. છેલ્લાં ૧૫ વર્ષથી તે સ્પર્મ-ડોનેશન કરે છે. આજે ટેલિગ્રામના એક અબજથી વધુ સક્રિય યુઝર્સ છે.
વારસો મેળવવાની જબરદસ્ત શરત
ઇન્ટરવ્યુના દિવસે પવેલ દુરોવે સ્પષ્ટ કર્યું હતું કે આ વારસો તેમનાં બાળકોને આજથી ૩૦ વર્ષ પછી એટલે કે ૨૦૫૫માં મળશે. આમ આજ ને આજ આ સંપત્તિ આ બાળકોના નામે થવાની નથી અને નજીકના ભવિષ્યમાં પણ થવાની નથી. આ મુદ્દે પવેલે કહ્યું હતું કે ‘આ નિર્ણયનો હેતુ તેઓ સ્વતંત્ર રીતે મોટાં થાય એની ખાતરી કરવાનો છે. હું ઇચ્છું છું કે તેઓ સામાન્ય લોકોની જેમ જીવે, એકલા પોતાને ઘડે, પોતાની જાત પર વિશ્વાસ કરવાનું શીખે, સર્જન કરી શકે અને બૅન્ક-ખાતા પર નિર્ભર ન રહે.’
કેટલા રૂપિયા મળશે?
બ્લૂમબર્ગ બિલ્યનેર્સ ઇન્ડેક્સ અને ફૉર્બ્સ અનુસાર પવેલ દુરોવની કુલ સંપત્તિ ૧૭ બિલ્યન ડૉલર જેટલી છે. વર્તમાન અંદાજ મુજબ પ્રત્યેક બાળક આશરે ૧૬૧ મિલ્યન ડૉલર (આશરે ૧૩૯૫ કરોડ રૂપિયા)નો વારસો મેળવશે.