પાકિસ્તાનમાં તાલિબાન અને આર્મી વચ્ચે જબરદસ્ત જંગ ખેલાશે

27 December, 2022 11:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમેરિકાએ પોતાના નાગરિકો અને એમ્બેસીના કર્મચારીઓને ચેતવણી આપી છે કે તેઓ ઇસ્લામાબાદની મૅરિયટ હૉસ્પિટલમાં ન જાય, કેમ કે ત્યાં આતંકવાદી હુમલા થવાનું જોખમ છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

ઇસ્લામાબાદ : પાકિસ્તાન આર્થિક મોરચે જ નહીં, પરંતુ સુરક્ષાના મોરચે પણ લડાઈ લડી રહ્યું છે. પાકિસ્તાનમાં ઑગસ્ટ ૨૦૨૧થી અત્યાર સુધીમાં તહરીક-એ-તાલિબાન દ્વારા ૪૦૦થી વધારે આતંકવાદી હુમલા કરવામાં આવી ચૂક્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં બલૂચિસ્તાનના બળવાખોરોએ વધુ હુમલા શરૂ કર્યા છે. આ જ કારણે પાકિસ્તાનની આર્મી આ બળવાખોરોની વિરુદ્ધ 
ભયાનક હુમલાની તૈયારી કરી રહી છે, જેમાં અમેરિકા પણ એની મદદ કરી શકે છે.

દરમ્યાન અમેરિકાએ પોતાના નાગરિકો અને એમ્બેસીના કર્મચારીઓને ચેતવણી આપી છે કે તેઓ ઇસ્લામાબાદની મૅરિયટ હૉસ્પિટલમાં ન જાય, કેમ કે ત્યાં આતંકવાદી હુમલા થવાનું જોખમ છે. ઇસ્લામાબાદમાં સુસાઇડ-અટૅક બાદ સમગ્ર રાજધાની હાઈ અલર્ટ પર છે. અમેરિકાએ એમ પણ જણાવ્યું છે કે એના નાગરિકો અત્યારે ઇસ્લામાબાદમાં જવાનું ટાળે. 

તહરીક-એ-તાલિબાને પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં અનેક જગ્યાએ પોતાના ઝંડા લહેરાવ્યા છે. પાકિસ્તાનના મીડિયામાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં હિંસાની ઘટનાઓ વધી હોવાથી શાહબાઝ સરકાર અને આર્મી ચીફ અસીમ મુનીર બન્ને તહરીક-એ-તાલિબાન અને બલૂચિસ્તાનના બળવાખોરોની વિરુદ્ધ જબરદસ્ત મિલિટરી ઍક્શન લેવા માટે ગંભીરતાપૂર્વક વિચાર કરી રહ્યા છે. 

international news pakistan terror attack islamabad taliban