૧૦૦૦ વર્ષ જૂના શિવમંદિરને લીધે થાઇલૅન્ડ અને કમ્બોડિયા યુદ્ધે ચડ્યાં છે

25 July, 2025 10:57 AM IST  |  Bangkok | Gujarati Mid-day Correspondent

કમ્બોડિયાનો દાવો છે કે આ મંદિર પ્રાચીન ખમેર સામ્રાજ્યનો હિસ્સો છે જે આજનું કમ્બોડિયા ગણાય છે. આંતરરાષ્ટ્રીય કોર્ટ દ્વારા પણ આ મંદિર કમ્બોડિયાનું હોવાનો આદેશ અપાયો છે

થાઇલૅન્ડ સાથેના સંઘર્ષની સ્થિતિ વણસી ગયા પછી ગઈ કાલે સરહદ પાસેના વિસ્તારમાં મલ્ટિપલ રૉકેટ લૉન્ચરને રી-લોડ કરતા કમ્બોડિયાના સૈનિકો

ભારતથી ૫૦૦૦ કિલોમીટર દૂર દક્ષિણ-પૂર્વ એશિયામાં આવેલા બે પાડોશી દેશ થાઇલૅન્ડ અને કમ્બોડિયા વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. ગઈ કાલે સવારથી જ બન્ને દેશોના સૈનિકો વચ્ચે સરહદ પર ભારે ગોળીબારી અને મિસાઇ-હુમલા શરૂ થઈ ગયાં છે. એક દિવસ પહેલાં જ બૉર્ડર પર એક લૅન્ડમાઇન ધમાકામાં થાઇલૅન્ડના પાંચ સૈનિકો ઘવાયા હતા. એનાથી ગુસ્સે ભરાયેલા થાઇલૅન્ડે કમ્બોડિયાથી એના રાજદૂતોને પાછા બોલાવીને કમ્બોડિયાના રાજદૂતોને હાંકી કાઢ્યા હતા. થાઇલૅન્ડ તરફથી આવેલી માહિતી પ્રમાણે ગઈ કાલે સવારે તા મુઇન થૉમ મંદિરનાં ખંડેરો પાસે કમ્બોડિયાનાં ડ્રોન ઊડતાં જોવા મળ્યાં હતાં અને ત્યાર પછી કમ્બોડિયાના સૈનિકો હથિયારો સાથે ધસી આવ્યા હતા. ત્યાંથી સંઘર્ષની શરૂઆત થઈ છે. આ પ્રાચીન તા મુઇન થૉમ મંદિર ભગવાન શિવને સમર્પિત પ્રસિદ્ધ મંદિર છે અને અત્યારે એ આ બન્ને દેશો વચ્ચેની રણભૂમિ બની ગયું છે.

યુદ્ધમાં થાઇલૅન્ડની પ્રજાએ પણ ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. ફેસબુક પર મુકાયેલા વિડિયોમાંથી લીધેલા ફોટોમાં કમ્બોડિયાના રૉકેટ હુમલાનો ભોગ બનેલો સ્ટોર દેખાય છે, જેમાંથી હજી ધુમાડા નીકળી રહ્યા છે. કમ્બોડિયાના રૉકેટ હુમલાને લીધે ઓછામાં ઓછા ૧૧ સામાન્ય નાગરિકોના જીવ ગયા છે.

પર્વતીય પ્રદેશમાં આવેલું તા મુઇન થૉમ મંદિર નવમીથી અગિયારમી સદી વચ્ચે રાજા ઉદયાદિત્યવર્મન-બીજા દ્વારા નિર્મિત અને ભગવાન શિવને સમર્પિત હતું. આ મંદિર વિશાળ મંદિર પરિસરનો એક ભાગ છે જ્યાં અન્ય પ્રાચીન દેવસ્થાનો પણ આવેલાં છે. કમ્બોડિયાનો દાવો છે કે આ મંદિર પ્રાચીન ખમેર સામ્રાજ્યનો હિસ્સો છે જે આજનું કમ્બોડિયા ગણાય છે. આંતરરાષ્ટ્રીય કોર્ટ દ્વારા પણ આ મંદિર કમ્બોડિયાનું હોવાનો આદેશ અપાયો છે, પણ થાઇલૅન્ડે અહીં પોતાનો કબજો જમાવી રાખ્યો છે.

thailand cambodia international news news world news terror attack