પાકિસ્તાનમાં એક ગધેડાની કિંમત ૨,૦૦,૦૦૦ રૂપિયા

09 June, 2025 08:32 AM IST  |  Islamabad | Gujarati Mid-day Correspondent

ગધેડાની ચામડીમાંથી એજિયાઓ નામનું જિલેટિન મળતું હોવાથી ચીનમાં મેડિસિન ઉદ્યોગમાં એની ભારે ડિમાન્ડ છે

પાકિસ્તાનમાં એક ગધેડાની કિંમત ૨,૦૦,૦૦૦ રૂપિયા

પાડોશી દેશ પાકિસ્તાનમાં ગધેડાની કિંમતમાં ભારે વધારો થયો છે. ૮ વર્ષ પહેલાં જે ગધેડા ૩૦,૦૦૦ રૂપિયામાં મળતા હતા એની કિંમત હવે ૨,૦૦,૦૦૦ પાકિસ્તાની રૂપિયા છે. ચીનમાં અબજો ડૉલરના એજિયાઓ ઉદ્યોગ માટે ગધેડાની માગણી વધી રહી છે. ગધેડાઓની સૌથી વધારે સંખ્યા ધરાવતા દેશોમાં ઇથિયોપિયા અને સુદાન પછી પાકિસ્તાનનો નંબર છે. પાકિસ્તાનમાં કામ કરતા ગધેડાની વસ્તી ૫૯ લાખ છે. છેલ્લા એક વર્ષમાં ગધેડાની વસ્તીમાં ૧,૦૯,૦૦૦નો વધારો થયો છે.

એજિયાઓ એ પરંપરાગત ચાઇનીઝ દવામાં વપરાતું જિલેટિન છે જે ગધેડાની ચામડીને ગરમ કરીને  અને એનો અર્ક કાઢીને બનાવવામાં આવે છે. એનો ઉપયોગ ક્લિનિક્સમાં વ્યાપકપણે થાય છે; કારણ કે એ થાકવિરોધી, રોગપ્રતિકારક શક્તિ વધારતી, ગાંઠની સારવારની અને એનીમિયાવિરોધી દવા બનાવવા માટે વપરાય છે. છેલ્લાં પાંચ વર્ષમાં એજિયાઓનાં ઉત્પાદનોના પ્રોડક્શનમાં ૧૬૦ ટકાનો વધારો જોવા મળ્યો છે, જેનો અર્થ એ છે કે ડિમાન્ડને પહોંચી વળવા માટે લાખો ગધેડાનાં ચામડાંની જરૂર પડે છે.

માત્ર પાકિસ્તાનમાં જ નહીં; વૈશ્વિક સ્તરે ૫૦ કરોડ ગરીબોની રોજીરોટી ઘોડા, ગધેડા અને ખચ્ચર પર નિર્ભર છે.

pakistan international news news world news china