22 September, 2026 09:27 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
શેખ અહમદ બિન રાશિદ અલ મકતૂમ
દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમના નાના ભાઈ શેખ અહમદ બિન રાશિદ અલ મકતૂમનું સોમવારે ૨૧ સપ્ટેમ્બરે નિધન થયું હતું. તેમના નિધન બાદ દુબઈમાં ૧૦ દિવસના સત્તાવાર શોકની જાહેરાત કરવામાં આવી છે. સમગ્ર એમિરેટ્સમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના ઉપપ્રમુખ અને વડા પ્રધાન તેમ જ દુબઈના શાસક શેખ મોહમ્મદે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ‘X’ પર તેમના નાના ભાઈને શ્રદ્ધાંજલિ આપી હતી. ૧૯૫૦માં જન્મેલા શેખ અહમદ દુબઈના ભૂતપૂર્વ શાસક સ્વર્ગસ્થ શેખ રાશિદ બિન સઈદ અલ મકતૂમના સૌથી નાના પુત્ર હતા. તેઓ રૉયલ મિલિટરી અૅકૅડેમી સૅન્ડહર્સ્ટમાંથી સ્નાતક થયા હતા અને દુબઈના સેન્ટ્રલ મિલિટરી કમાન્ડના કમાન્ડર-ઇન-ચીફ બન્યા હતા. આ ઉપરાંત તેમણે દુબઈ પોલીસ અને પબ્લિક સિક્યૉરિટીના ડેપ્યુટી ચૅરમૅન તરીકે પણ સેવાઓ આપી હતી.