25 December, 2025 08:42 AM IST | Bangladesh | Gujarati Mid-day Correspondent
ઉમર હાદી
ભારત અને બંગલાદેશનાં પદચ્યુત વડાં પ્રધાન શેખ હસીનાના વિરોધી બંગલાદેશી નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યાના કેસમાં તેના ભાઈ શરીફ ઉમર હાદીએ યુનુસ સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. ઉમરે મંગળવારે શાહબાગમાં આયોજિત ઇન્કિલાબ મંચના શહીદ શપથ કાર્યક્રમમાં યુનુસ સરકાર પર નિશાન સાધતાં કહ્યું હતું કે ‘તમે લોકોએ જ ઉસ્માન હાદીની હત્યા કરાવી છે. હવે તમે આ મુદ્દાનો ઉપયોગ ચૂંટણી રોકવા માટે કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. શરીફ ઉસ્માન હાદીની હત્યા પાછળ સરકારની અંદરની કેટલીક શક્તિઓનો હાથ છે. તેઓ આગામી રાષ્ટ્રીય ચૂંટણીઓને પાટા પરથી ઉતારવા માગે છે.’
શહીદ શપથ કાર્યક્રમને સંબોધતાં ઉમર હાદીએ જણાવ્યું હતું કે ‘શરીફ ઉસ્માન હાદીની હત્યા એટલા માટે કરવામાં આવી હતી, કારણ કે તે કોઈ એજન્સી કે વિદેશીઓ સામે ઝૂક્યો નહોતો. તેના હત્યારાઓ સામે વહેલામાં વહેલી તકે કાર્યવાહી થવી જોઈએ જેથી ચૂંટણીના વાતાવરણ પર અસર ન પડે. સરકારે અમને અત્યાર સુધી કોઈ નક્કર પ્રગતિ બતાવી નથી.’
ન્યાય ન મળ્યો તો જોવા જેવી થશે
શરીફ ઉસ્માન હાદીના ભાઈ ઉમર હાદીએ મુહમ્મદ યુનુસની વચગાળાની સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા બાદ મુહમ્મદ યુનુસને ચેતવણી આપતાં કહ્યું હતું કે ‘હાદીના હત્યારાઓ સામે જલદી કેસ શરૂ કરો જેથી ચૂંટણીનો માહોલ બગડે નહીં. જો ઉસ્માન હાદીને ન્યાય ન મળ્યો તો એક દિવસ તમારા હાલ પણ શેખ હસીના જેવા થશે, તમારે પણ બંગલાદેશ છોડીને ભાગવા મજબૂર બનવું પડશે.’
બંગલાદેશની વચગાળાની યુનુસ સરકારનું વલણ પાકિસ્તાનીવિરોધી રહ્યું છે એ તો હવે જગજાહેર છે, પરંતુ વધી રહેલા આંતરિક તનાવો અને ક્ષેત્રની સ્થિરતા તેમ જ આર્થિક લાભોને પ્રાથમિકતા આપવા માટે તેમને સમજાઈ ગયું છે કે ભારત સાથે સંબંધો સુધારવા માટે કંઈક કરવું પડશે. એટલે જ રાજકીય તનાવ અને બયાનબાજીઓ પછી પણ નાણાકીય સલાહકાર સાલેહુદ્દીન અહમદે મંગળવારે કહ્યું હતું કે બંગલાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસ ભારત સાથેના તનાવપૂર્ણ સંબંધોને આસાન કરવા માટે પગલાં લઈ રહ્યા છે. બંગલાદેશ સરકારે મંગળવારે ભારત પાસેથી ૫૦,૦૦૦ ટન ચોખા ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.