25 December, 2023 08:04 PM IST | Belgrade | Gujarati Mid-day Online Correspondent
તસવીર: એએફપી
યુરોપિયન દેશ સર્બિયા (Serbia Protest)માં લોકો સરકાર વિરુદ્ધ રસ્તા પર ઊતરી આવ્યા છે. દેશભરમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ગયા અઠવાડિયે થયેલી સામાન્ય ચૂંટણીમાં કથિત છેતરપિંડી સામે અહીં ગુસ્સે ભરાયેલી ભીડ વિરોધ કરી રહી છે. રવિવારે (24 ડિસેમ્બર) વિરોધીઓએ બેલગ્રેડની ઐતિહાસિક ઇમારત સિટી હોલમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. આ જોતા સ્થાનિક પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો.
બીબીસીના અહેવાલ મુજબ, સિટી હોલની બહાર ભીડમાં કેટલાક લોકોએ બારીઓ તોડી નાખી અને બળજબરીથી અંદર જવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન વિરોધીઓની સુરક્ષા દળો સાથે અથડામણ પણ થઈ હતી અને આખરે સુરક્ષા દળોને પ્રદર્શનકારીઓને ભગાડવામાં સફળતા મળી હતી.વિપક્ષી કાર્યકર્તાઓનું કહેવું છે કે રવિવારે પોલીસે (Serbia Protest) વધુ પડતા બળનો ઉપયોગ કર્યો હતો. તેઓ આક્ષેપ કરે છે કે શાસક પક્ષ દ્વારા જીતવામાં આવેલી ચૂંટણીમાં સરકારે છેડછાડ કરી હતી. પ્રમુખ એલેક્ઝાન્ડર વ્યુસિક કહે છે કે આરોપો બકવાસ અને જુઠ્ઠાણા છે.
સરકારને ઉથલાવવાનો પ્રયાસ
નોંધનીય છે કે સર્બિયા (Serbia Protest)માં 17 ડિસેમ્બરના રોજ સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં રાષ્ટ્રપતિ એલેકસાન્ડર વ્યુસિકની સરકાર સત્તામાં પરત આવી હતી. રવિવારે થયેલા વિરોધ પ્રદર્શન અંગે સર્બિયાના રાષ્ટ્રપતિ એલેકસાન્ડર વ્યુસિકે કહ્યું કે, તે વિદેશી સંચાલિત સરકારને ઉથલાવી દેવાનો પ્રયાસ હતો. તેમણે કહ્યું કે 35 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. હજુ વધુ લોકોની અટકાયત કરવામાં આવશે.
પ્રમુખે હેરાફેરીનો ઇનકાર કર્યો હતો
આ સાથે વ્યુસિકે વોટ હેરાફેરીનો ઈનકાર કર્યો છે અને દેશમાં યોજાયેલી ચૂંટણીઓને ન્યાયી ગણાવી છે. વ્યુસિકે રવિવારે જણાવ્યું હતું કે મતદાનની અનિયમિતતાના દાવાઓ રાજકીય વિપક્ષો દ્વારા પ્રચાર કરવામાં આવેલ સ્પષ્ટ જૂઠાણું છે. વ્યુસિકે જણાવ્યું હતું કે દેશમાં અશાંતિ વિદેશમાંથી ઉશ્કેરવામાં આવી હતી પરંતુ દાવાને સમર્થન આપવા માટે કોઈ પુરાવા આપ્યા નથી.
તમને જણાવી દઈએ કે, વિપક્ષી પાર્ટી સર્બિયા અગેન્સ્ટ વાયોલન્સને ચૂંટણીમાં 23.5 ટકા વોટ મળ્યા છે. સર્બિયાની બીજી સમાજવાદી પાર્ટીને 6.56 ટકા મત મળ્યા છે. આવી સ્થિતિમાં વિપક્ષી પાર્ટીઓ ધાંધલધમાલનો આરોપ લગાવી રહી છે અને ચૂંટણીને ગેરકાયદેસર જાહેર કરીને ફરીથી ચૂંટણી કરાવવાની માગ કરી રહી છે.