26 October, 2025 09:38 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
CIAના ભૂતપૂર્વ આૅફિસર જૉન કિરિયાકુ
અમેરિકા લોકતંત્રનો ઢોંગ કરે છે, બાકી સ્વાર્થ જ મહત્ત્વનો છે: જૉન કિરિયાકુ
પાકિસ્તાનીઓનાં કરતૂતોને ખુલ્લાં પાડવાની સાથે જૉન કિરિયાકુએ અમેરિકાની વિદેશનીતિ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘અમેરિકા લોકતંત્રનો ઢોંગ કરે છે, પરંતુ હકીકતમાં એ પોતાના સ્વાર્થ મુજબ કામ કરે છે. દરેક દેશ સાથે એ લેવડદેવડવાળા જ સંબંધો બાંધે છે. સાઉદી પાસેથી અમેરિકા તેલ ખરીદે છે, કેમ કે સાઉદી અમેરિકા પાસેથી હથિયારો ખરીદે છે. મને લાગે છે કે વૈશ્વિક તાકાતોનું સંતુલન હવે બદલાઈ રહ્યું છે. સાઉદી અરેબિયા, ચીન અને ભારત પોતાની નવી રણનીતિક ભૂમિકાઓને આકાર આપી રહ્યાં છે.’
પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે પોતાના દેશનું પરમાણુ હથિયારોનું નિયંત્રણ અમેરિકાને સોંપી દીધું હોવાનો દાવો શુક્રવારે અમેરિકાની સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી (CIA)ના ભૂતપૂર્વ ઑફિસર જૉન કિરિયાકુએ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘અમેરિકાએ મુશર્રફને લાખો ડૉલરની મદદ કરીને ખરીદી લીધા હતા. તેમના શાસનકાળમાં પાકિસ્તાનની સુરક્ષા અને સૈન્ય ગતિવિધિઓ પર અમેરિકાની અંદર સુધી પહોંચ હતી. અમે લાખો ડૉલરની મદદ કરી એના બદલામાં મુશર્રફે અમને બધું કરવા દીધું હતું. તેમણે પરમાણુ હથિયારો સુધ્ધાં અમને સોંપી દીધાં હતાં.’
આ પ્રકારનો દાવો જૉન કિરિયાકુએ એમ જ કૅઝ્યુઅલી નથી કર્યો, પરંતુ ન્યુઝ-એજન્સી ANIને આપેલા ઇન્ટરવ્યુમાં કર્યો છે. તેમણે કહ્યું હતું કે ‘૨૦૦૨માં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થવાની અણી પર હતું. ૨૦૦૧માં ભારતની સંસદ પર હુમલો થયા પછી ભારત દ્વારા શરૂ થયેલા ઑપરેશન પરાક્રમમાં અમેરિકાના ઉપવિદેશપ્રધાને દિલ્હી અને ઇસ્લામાબાદની વિઝિટ કરીને બન્ને દેશો વચ્ચે સમાધાન કરાવ્યું હતું.’
પાકિસ્તાને શરૂ કરેલા પરમાણુ પ્રોજેક્ટને રોકવા માટે અમેરિકા પરમાણુ વૈજ્ઞાનિક અબ્દુલ કાદિર ખાનને બક્ષવા નહોતું માગતું, પરંતુ સાઉદી અરેબિયાએ વચ્ચે પડીને અબ્દુલ કાદિર ખાનને બચાવ્યા હતા.