21 July, 2025 11:37 AM IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent
સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ ૩૬ વર્ષના અલવલીદ બિન ખાલિદનું અવસાન
૨૦૦૫માં એક કાર-અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ કોમામાં સરી પડેલા સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ ૩૬ વર્ષના અલવલીદ બિન ખાલિદે શનિવારે રિયાધની કિંગ અબ્દુલ અઝીઝ મેડિકલ સિટી હૉસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. છેલ્લાં ૨૦ વર્ષથી તેઓ કોમામાં હોવાથી તેમને ‘સ્લીપિંગ પ્રિન્સ’ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. ક્રાઉન પ્રિન્સના પિતા ખાલિદ બિન તલાલ બિન અબ્દુલ અઝીઝે એક નિવેદન બહાર પાડીને પ્રિન્સ અલવલીદ બિન ખાલિદ બિન તલાલ બિન અબ્દુલ અઝીઝ અલ સઉદના અવસાનની જાહેરાત કરી હતી.
જ્યારે પ્રિન્સ અલવલીદ ૧૫ વર્ષના હતા ત્યારે લંડનની એક મિલિટરી કૉલેજમાં અભ્યાસ કરતી વખતે તેઓ કાર-અકસ્માતનો ભોગ બન્યા હતા. આ અકસ્માતમાં ક્રાઉન પ્રિન્સને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને એના કારણે તેમના મગજમાં આંતરિક રક્તસ્ત્રાવ થયો હતો અને તેઓ કોમામાં ગયા હતા. બાદમાં ક્રાઉન પ્રિન્સને રિયાધની કિંગ અબ્દુલ અઝીઝ મેડિકલ સિટી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓ ૨૦ વર્ષ સુધી લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રહ્યા હતા. આ સમય દરમ્યાન તેમના શરીરમાં એક કે બે વાર હલનચલન જોવા મળી હતી. વિશ્વભરના નિષ્ણાતોને બતાવવા છતાં ક્રાઉન પ્રિન્સ કોમામાંથી બહાર આવી શક્યા નહોતા. ક્રાઉન પ્રિન્સના પિતા તેમના પુત્રનો જીવ બચાવવાનો પ્રયાસ કરતા રહ્યા અને લાઇફ સપોર્ટ સિસ્ટમ દૂર થવા દીધી નહીં. તેમણે કહ્યું હતું કે તેમના પુત્રના મૃત્યુનો સમય ફક્ત અલ્લાહ જ નક્કી કરશે. ક્રાઉન પ્રિન્સ અલવલીદ બિન ખાલેદ ત્રણ ભાઈઓમાં સૌથી મોટા હતા.