07 July, 2024 07:26 AM IST | Iran | Gujarati Mid-day Correspondent
ડૉ. મસૂદ પેજેશ્કિયાન
ઈરાનમાં સુધારાવાદી નેતા ડૉ. મસૂદ પેજેશ્કિયાન દેશના નવમા રાષ્ટ્રપતિ બન્યા છે. ૭૧ વર્ષના ડૉ. પેજેશ્કિયાન હાર્ટ-સર્જ્યન છે અને કુરાન પણ ભણાવે છે. શુક્રવારે બીજા ચરણના મતદાનમાં તેમણે વિજય મેળવ્યો હતો. દેશની ૫૦ ટકા જનતાએ કરેલા મતદાનમાં ૩ કરોડ પૈકી ૧.૬૪ કરોડ મત તેમને મળ્યા હતા. તેમના હરીફ જલીલીને ૧.૩૬ કરોડ મત મળ્યા હતા.
ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીનું ૧૯ મેએ હેલિકૉપ્ટર ક્રૅશમાં મૃત્યુ થયા બાદ ઈરાનમાં ચૂંટણીની જાહેરાત થઈ હતી. ઈરાનમાં પહેલા તબક્કાનું મતદાન ૨૮ મેએ થયું હતું, પણ કોઈ પણ ઉમેદવારને ૫૦ ટકાથી વધારે મત મળ્યા નહોતા. ઈરાનના બંધારણ મુજબ કોઈ પણ ઉમેદવારને ૫૦ ટકા મત ન મળે તો બીજા તબક્કાની ચૂંટણી થાય છે જેમાં પહેલા તબક્કામાં ટૉપ-ટૂના બે ઉમેદવારો વચ્ચે મુકાબલો થાય છે. પહેલા તબક્કામાં માત્ર ૪૦ ટકા મતદાન થયું હતું જેમાં પજશ્કિયાનને ૪૨.૫ ટકા અને જલીલીને ૩૮.૮ ટકા મત મળ્યા હતા એથી બીજા તબક્કામાં તેમની વચ્ચે મુકાબલો થયો હતો.
૧૯૫૪માં જન્મેલા ડૉ. મસૂદ પેજેશ્કિયાનનાં પત્ની-પુત્રીનું ૧૯૯૪માં એક કાર-દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. ૧૯૯૭માં તેઓ ઈરાનના સ્વાસ્થ્યપ્રધાન પણ રહી ચૂક્યા છે. ૨૦૧૧માં તેમણે રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી, પણ પછી ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી.