હવે ઇમરાનનો ખેલ ખતમ

15 March, 2023 10:49 AM IST  |  Lahore | Gujarati Mid-day Correspondent

લાહોરમાં પોલીસ અને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાનના સમર્થકો વચ્ચે ભારે ઘર્ષણ, પોલીસે સપોર્ટર્સને વિખેરવા માટે ટિયરગૅસના શેલ્સ છોડ્યા અને વૉટર કૅનનનો મારો ચલાવ્યો

લાહોરમાં ગઈ કાલે ઇમરાન ખાનની ધરપકડ કરતી પોલીસને રોકવાની કોશિશ કરી રહેલા ઇમરાનના સમર્થકો.

લાહોર : પાકિસ્તાનનાં અનેક શહેરો ગઈ કાલે જાણે રણભૂમિમાં ફેરવાઈ ગયાં હતાં. જ્યાં એક બાજુ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન હતા, જ્યારે બીજી બાજુ પોલીસ હતી. તોશખાના કેસમાં ઇમરાનની ધરપકડ માટે લાહોરમાં તેમના નિવાસસ્થાન ઝમન પાર્કમાં પોલીસ પહોંચી હતી. એ પછી તરત જ પોલીસ અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ)ના કાર્યકરો આમને-સામને આવી ગયા હતા. આ ઘર્ષણમાં અનેક પોલીસ ઑફિસરને ઈજા પણ થઈ છે. આ એકમાત્ર એવો કેસ છે કે જેમાં ઇમરાનના અરેસ્ટ વૉરન્ટને રદ કરવામાં આવ્યું નથી.  

ધરપકડથી બચવા માટે પીટીઆઇના ચૅરમૅન ઇમરાને તેમના કાર્યકરોને લડત લડતા રહેવા જણાવ્યું છે. તેમણે એક રીતે પોતાના કાર્યકરોને પોલીસથી બચવા માટે સુરક્ષાકવચ બનાવ્યા હતા. 
પોલીસે લાહોરમાં ઇમરાનના ઘરના કમ્પાઉન્ડમાં પણ ટિયરગૅસના શેલ્સ છોડ્યા હતા, ત્યાંથી સપોર્ટર્સને વિખેરવા માટે વૉટર કૅનનનો મારો ચલાવ્યો હતો. 

પીટીઆઇના કાર્યકરોએ લાહોરમાં જ નહીં, પરંતુ કરાચી, ફૈસલાબાદ, સરગોધા, વેહારી, પેશાવર, ક્વેટા અને મિઅનવાલી સહિત અનેક શહેરોમાં વિરોધપ્રદર્શન કર્યાં હતાં. 

ઇસ્લામાબાદ પોલીસની એક ટીમ ઇમરાનની ધરપકડ કરવાના અદાલતના આદેશનું પાલન કરવા માટે સોમવારથી જ લાહોરમાં આવી પહોંચી હતી. 

તેઓ મને જેલમાં નાખશે કે મારી નાખશે: ઇમરાન

ઇમરાન ખાને ગઈ કાલે પોલીસ અને તેમની પાર્ટીના કાર્યકરો વચ્ચેના ઘર્ષણ વચ્ચે એક વિડિયો મેસેજમાં જણાવ્યું હતું કે ‘પોલીસ મારી ધરપકડ કરવા આવી પહોંચી છે. તેઓ વિચારે છે કે જો ઇમરાન ખાન જેલમાં જશે તો લોકો શાંતિથી સૂઈ જશે. તમારે તેમને ખોટા પુરવાર કરવાના છે. તમારે પુરવાર કરવાનું છે કે લોકો હજી જીવતા છે. તમારે તમારા અધિકારો માટે લડવાનું છે, તમારે રસ્તાઓ પર ઊતરી પડવાનું છે. ભગવાને ઇમરાન ખાનને બધું જ આપ્યું છે. હું તમારી લડાઈ લડી રહ્યો છું. હું આખી જિંદગી લડતો રહ્યો છું અને સતત લડતો રહીશ, પરંતુ જો મને કંઈ થઈ જાય તો, તેઓ મને જેલમાં નાખે કે મારી નાખે તો તમારે પુરવાર કરવાનું છે કે તમે ઇમરાન ખાન​ વિના પણ લડી શકો છો.’

international news pakistan lahore imran khan