18 February, 2026 11:50 AM IST | Bangladesh | Gujarati Mid-day Correspondent
વડા પ્રધાન તરીકે શપથ લઈ રહેલા તારિક રહમાન, ભારતના પ્રતિનિધિ તરીકે આ શપથવિધિમાં હાજર રહેલા લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ તારિક રહમાનને શુભેચ્છા આપી હતી.
બંગલાદેશમાં લોકસભાની ચૂંટણીમાં બમ્પર જીત મેળવ્યા પછી બંગલાદેશ નૅશનલિસ્ટ પાર્ટી (BNP)ના ચૅરમૅન તારિક રહમાને વડા પ્રધાનપદના શપથ લીધા છે. ભલે બંગલાદેશને નવા વડા પ્રધાન મળી ગયા હોય, પરંતુ અહીં નવું રાજકીય સંકટ ઊભું થતું દેખાઈ રહ્યું છે. એનું કારણ એ છે કે તારિક રહમાને વડા પ્રધાનપદના શપથ તો લીધા, પરંતુ જુલાઈ ચાર્ટરના બીજા શપથ લેવાની ના પાડી દીધી. મતલબ કે તારિક સરકારે મોહમ્મદ યુનુસને મોટો ઝટકો આપ્યો છે. શપથગ્રહણમાં તારિક રહમાન સહિત BNPના સંસદસભ્યોએ સંવિધાનિક સુધાર આયોગના સદસ્યના રૂપમાં શપથ લીધા નથી. કેટલાક BNP નેતાઓએ તો ત્યાં સુધી કહી દીધું કે તેમની પાર્ટી જુલાઈ ચાર્ટરને નથી માનતી. કેટલાક નેતાઓએ કહ્યું હતું કે જુલાઈ ચાર્ટર બનાવતી વખતે તેમની સલાહ લેવામાં નહોતી આવી એટલે એના કેટલાક નિયમો સામે તેમને તકલીફ છે.
હકીકતમાં આ વિવાદ બે અલગ-અલગ શપથપ્રક્રિયાઓ સાથે જોડાયેલો છે. તમામ ચૂંટાયેલા સંસદસભ્યોએ પણ જુલાઈ ચાર્ટરના સ્વીકારના શપથ લેવાના હતા. જોકે નવી સરકારે એ શપથ લેવાની ના પાડી દેતાં જુલાઈ ચાર્ટરનું ભવિષ્ય અધ્ધરતાલ થઈ ગયું છે. BNPના આ રવૈયાને કારણે જમાત-એ-ઇસ્લામી અને નૅશનલ સિટિઝન પાર્ટી (NCP) જેવી અન્ય રાજકીય પાર્ટીઓ ભડકી છે. જમાત-એ-ઇસ્લામી અને NCPએ પણ BNP પર સંવિધાન સાથે દગો કર્યાનો આરોપ લગાવ્યો છે. જમાત-એ-ઇસ્લામી અને NCPએ રોડ પર ઊતરીને ફરીથી આંદોલન કરવાની ચેતવણી આપી છે.
તારિક રહમાનના પ્રધાનમંળમાં ૪૯ પ્રધાનો, એક હિન્દુ
ગઈ કાલે સાંજે તારિક રહમાને પહેલી વાર બંગલાદેશના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમની સાથે ૨૫ કૅબિનેટ પ્રધાનો અને ૨૪ રાજ્ય પ્રધાનોએ પણ શપથ લીધા હતા. એમાં એક હિન્દુ પ્રધાન નિતાઈ રૉય ચૌધરી પણ સામેલ છે.
JNUના સ્ટુડન્ટ રહી ચૂક્યા છે બંગલાદેશના નવા વિદેશપ્રધાન
તારિક રહમાનની કૅબિનેટમાં એક પ્રધાન એવા પણ છે જેઓ ભારતની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના સ્ટુડન્ટ રહી ચૂક્યા છે અને એ છે નવા વિદેશપ્રધાન ડૉ. ખલીલુર રહમાન. તેઓ એક અનુભવી અને ઠરેલ નેતા તરીકે ઓળખાય છે. તેમની સાથે ભારતના જૂના સંબંધ છે. વિદેશપ્રધાન તરીકે બંગલાદેશ વતી ભારત સાથેની વાટાઘાટો તેમના થકી જ થાય એવી સંભાવના છે.
મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારમાં ડૉ. ખલીલુર રહમાન રોહિંગ્યા સંકટ અને અન્ય મુદ્દા પર નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર (NSA) તરીકે સક્રિય રહ્યા હતા અને એ દરમ્યાન તેઓ ભારતના NSA અજિત ડોભાલને મળ્યા હતા.
જુલાઈ ચાર્ટર છે શું?
૨૦૨૪ના જુલાઈ-ઑગસ્ટમાં જ્યારે સ્ટુડન્ટ્સના આંદોલનને કારણે શેખ હસીનાએ પદ અને દેશ બન્ને છોડીને ભાગવું પડ્યું હતું એ પછી વચગાળાની સરકારના પ્રમુખ બનેલા મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં બંગલાદેશમાં સુધારાના નામે એક ચાર્ટર તૈયાર કરવામાં આવ્યું હતું. આ ચાર્ટરમાં ૮૦થી વધુ પ્રસ્તાવો છે. એમાં સંવિધાનનાં ૪૭ સંશોધન પણ સામેલ છે. એમાં વડા પ્રધાનના કાર્યકાળને સીમિત કરવા તેમ જ સંસદને બે સદનમાં વિભાજિત કરવા જેવી મહત્ત્વની વાતો છે. આ ચાર્ટર અંતર્ગત ૧૦૦ સભ્યોવાળી રાજ્યસભા પાર્ટીઓના મતના પ્રમાણમાં બનશે અને દેશમાં સંવિધાન સંશોધન માટે તેમની મંજૂરી જરૂરી બનશે. નવી બનનારી સરકારે જુલાઈ ચાર્ટર સ્વીકારતા શપથ પણ લેવા પડશે એવું નિર્ધારિત થયું હતું. આ ચાર્ટર અંતર્ગત કોઈ પણ વ્યક્તિ બંગલાદેશમાં ૧૦ વર્ષથી વધુ સમય માટે વડા પ્રધાન નહીં રહી શકે. અત્યાર સુધી બંગલાદેશમાં જજોની નિયુક્તિ વડા પ્રધાન જ કરતા હતા, પરંતુ જુલાઈ ચાર્ટર મુજબ જજોની નિયુક્તિ માટે અલગથી વ્યવસ્થા કરવાનો પ્રસ્તાવ હતો.