10 January, 2026 01:22 PM IST | Rome | Gujarati Mid-day Correspondent
ચાની સુગંધવાળું પરફ્યુમ
ઇટાલિયન લક્ઝરી ફૅશન-બ્રૅન્ડ પ્રાડાએ એની પરફ્યુમ સિરીઝમાં એક નવું એડિશન લૉન્ચ કર્યું હતું. ‘ઇન્ફ્યુઝન ડી સેન્ટલ ચાઈ પ્રાડા’ નામનું આ પરફ્યુમ બીજા કોઈ પણ પરફ્યુમથી અલગ છે, કારણ કે એમાં ગરમ અને મસાલેદાર ચાની સુગંધ આવશે એવો દાવો છે. આ પહેલાં પણ પ્રાડા મહારાષ્ટ્રનાં કોલ્હાપુરી ચંપલની ડિઝાઇનની કૉપી કરવા માટે ટીકાનો ભોગ બની ચૂકી છે. એ પછી ઇન્ડિયન ઑડિયન્સનો લાભ ઉઠાવવાનો આ કંપનીનો બીજો પ્રયાસ છે એવો પણ ઘણા લોકોનો દાવો છે. પાંચમી જાન્યુઆરીએ લૉન્ચ થયેલું ‘ઇન્ફ્યુઝન ડી સેન્ટલ ચાઈ પ્રાડા’ પરફ્યુમ ૧૯૦ ડૉલર એટલે કે ૧૭,૦૦૦+ રૂપિયાનું છે. કિંમતનું છે. ગ્લાસની બૉટલ પરનું ઢાંકણું પણ ચાના કલરનું છે. જોકે ચાપ્રેમીઓ ખરેખર ચાની લિજ્જતદાર સુગંધને પરફ્યુમથી સૂંઘવાનું પસંદ કરશે કે નહીં એ સવાલ છે. ઑનલાઇન પ્રજાએ પ્રાડાના આ ટી-પરફ્યુમને ભારે વખોડ્યું છે. કેટલાક લોકોએ આને ભારતની સંસ્કૃતિનો તેમના બિઝનેસ માટે લાભ લેવાનું ગતકડું ગણાવ્યું છે તો કેટલાકે પબ્લિસિટી-સ્ટન્ટ. સોશ્યલ મીડિયા પર કેટલાક યુઝર્સે તો એવું લખ્યું હતું કે અમને ચા અમારા કપમાં ગમે છે, કપડાં પર નહીં. જોકે આ ગમે એ હોય, કોલ્હાપુરીની બબાલ પછી કંપનીએ હવે ચાની સુગંધનું પરફ્યુમ લૉન્ચ કરીને ભારતની કરોડોની વસ્તી વચ્ચે પોતાનું નામ ફરી ગજવી દીધું છે એટલું પાકું.