21 December, 2025 10:03 AM IST | United Kingdom | Gujarati Mid-day Correspondent
અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બિલ ક્લિન્ટન બાથટબમાં યુવતી સાથે નહાતા હોય એવી તસવીરો શૅર થઈ હતી. એ ઉપરાંત બિલ ક્લિન્ટન અન્ય સેલિબ્રિટીઝ સાથેની તસવીરો પણ એપ્સ્ટાઇન ફાઇલ્સમાં બહાર પડી હતી.
એપ્સ્ટાઇન ફાઇલ્સ નામના વિશ્વના સૌથી હાઈ-પ્રોફાઇલ સેક્સ સ્કૅન્ડલ સંબંધિત હજારો દસ્તાવેજો જાહેર કરવામાં આવ્યા છે. ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડન્ટ બિલ ક્લિન્ટન, પૉપ સિંગર માઇકલ જૅક્સન, બ્રિટિશ શાહી પરિવારના ભૂતપૂર્વ સભ્ય પ્રિન્સ ઍન્ડ્રુ જેવી વ્યક્તિઓનો પર્દાફાશ કરતા હજારો ફોટોગ્રાફ્સ જાહેર કરવામાં આવ્યા છે. જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલા દસ્તાવેજોને નવા ખુલાસાઓનો પ્રથમ બૅચ કહેવામાં આવી રહ્યો છે. બાકીના વિભાગો આગામી અઠવાડિયામાં જાહેર કરવામાં આવશે.
આ ફાઇલો પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ સહિત હાઈ-પ્રોફાઇલ બિઝનેસ એક્ઝિક્યુટિવ્સ, સેલિબ્રિટીઝ, શિક્ષણવિદો અને રાજકારણીઓ સાથે બદનામ ફાઇનૅન્સર જેફરી એપ્સ્ટાઇનના સંબંધો પર પ્રકાશ પાડશે એવી અપેક્ષા છે.
ક્લિન્ટનના અનેક ફોટો બહાર આવ્યા
જે ફોટોઝ સામે આવ્યા છે એમાં સૌથી વધુ ચર્ચા બિલ ક્લિન્ટનના ફોટોગ્રાફ્સની છે. એક ફોટોમાં તેઓ જેફરી એપ્સ્ટાઇનની નજીકની સહયોગી ગિસ્લેન મૅક્સવેલ સાથે સ્વિમિંગ-પૂલમાં છે. તેમની સાથે બીજો એક અજાણ્યો માણસ બેઠો છે.
બીજા ફોટોમાં ક્લિન્ટન સૂતા દેખાય છે. આ ફોટોમાં એક અજાણ્યો માણસ પણ તેમની સાથે છે, જેની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. ન્યાય વિભાગના જણાવ્યા અનુસાર આ ફોટોમાંનો માણસ એપ્સ્ટાઇન સંબંધિત જાતીય હુમલાનો ભોગ બનેલો છે.
ત્રીજા ફોટોમાં ક્લિન્ટન એક યુવાન છોકરી સાથે પોઝ આપી રહ્યા છે જે તેમની ખુરસીના આર્મરેસ્ટ પર બેઠી છે, તેનો હાથ ક્લિન્ટનના ખભા પર છે.
બીજા સમાન ફોટોમાં ક્લિન્ટન તેમના ભૂતપૂર્વ સલાહકાર ડગ બેન્ડ અને અભિનેતા કેવિન સ્પેસી સાથે લંડનના ચર્ચિલ વૉર રૂમમાં દેખાય છે. એપ્સ્ટાઇનના ન્યુ યૉર્કના ઘરે લેવામાં આવેલા ફોટોમાં ક્લિન્ટનનું પેઇન્ટિંગ પણ લટકતું દેખાય છે.
ખોટા કામનો આરોપ નહીં
ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડન્ટના આ ફોટો તારીખ વગરના છે. જોકે ૧૯૯૦ અને ૨૦૦૦ના દાયકા દરમિયાન તેઓ એપ્સ્ટાઇન સાથે ઘણી વખત જોવા મળ્યા હતા. જોકે એપ્સ્ટાઇનના જાતીય ગુનાઓના કેસમાં સામે આવેલા કોઈ પણ પીડિતોએ ક્લિન્ટન પર ખોટા કામ કરવાનો આરોપ લગાવ્યો નથી. ૨૦૧૯માં બિલ ક્લિન્ટને કહ્યું હતું કે તેઓ એપસ્ટાઇન દ્વારા આચરવામાં આવેલા કોઈ પણ ગંભીર ગુનાઓથી અજાણ હતા.
ક્લિન્ટનના પ્રવક્તાએ શું કહ્યું?
આ ફાઇલો સામે આવ્યા પછી ક્લિન્ટનના પ્રવક્તાએ કહ્યું કે ટ્રમ્પ-પ્રશાસન એનો ઉપયોગ પોતાને બચાવવા માટે કરી રહ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એક જૂથ હતું જેણે એપ્સ્ટાઇનના ગુનાઓ જાહેર થાય એ પહેલાં જ તેનો સંપર્ક કાપી નાખ્યો હતો, એક બીજું જૂથ હતું જેણે ગુનાઓ શોધી કાઢ્યા પછી તેમની સાથે સંબંધો તોડી નાખ્યા હતા, અમે પહેલા જૂથનો ભાગ છીએ.
૨૫૪ માલિશવાળાની
જાણકારી નહીં જાહેર થાય દસ્તાવેજોના વિશાળ ભંડારમાં ૨૫૪ માલિશ કરનારાઓનાં નામની યાદી આપતાં સાત પાનાં બ્લૅકઆઉટ કરવામાં આવ્યાં છે અને સંભવિત આ માહિતીને સુરક્ષિત રાખવા માટે આમ કરવામાં આવ્યું છે.
જેફરી એપ્સટાઇને ડોનલ્ડ ટ્રમ્પનો પરિચય ૧૪ વર્ષની છોકરી સાથે કરાવ્યો અને પૂછ્યું, આ સારી છેને?
જેફરી એપ્સટાઇન ફાઇલ્સમાં ડોનલ્ડ ટ્રમ્પ વિશેની જાણકારી પણ બહાર આવી છે. ૧૯૯૦ના દાયકામાં ફ્લૉરિડામાં ટ્રમ્પના નિવાસસ્થાન માર-અ-લાગો રિસૉર્ટમાં એપ્સટાઇને ડોનલ્ડ ટ્રમ્પનો પરિચય ૧૪ વર્ષની એક છોકરી સાથે કરાવ્યો હતો. દસ્તાવેજો અનુસાર એપ્સટાઇને છોકરીના સંદર્ભમાં ટ્રમ્પને કોણીથી પકડીને છોકરી વિશે પૂછ્યું હતું કે ‘આ સારી છેને?’ એ સમયે ટ્રમ્પે હળવું સ્મિત કર્યું હતું અને સંમતિમાં માથું હલાવ્યું હતું. જોકે છોકરીએ ટ્રમ્પ પર કોઈ આરોપ લગાવ્યો નથી. આ જ કોર્ટ-દસ્તાવેજમાં જણાવાયું છે કે આ ચર્ચા દરમિયાન બન્નેએ મજાક કરી અને સગીર અસ્વસ્થ થઈ ગઈ હતી. પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે એપ્સટાઇને તેને સેક્સ-ટ્રાફિકિંગ માટે તૈયાર કરી હતી અને ઘણાં વર્ષો સુધી તેનું શોષણ કર્યું હતું.
વર્ષો સુધી શોષણ ચાલુ રહ્યું
ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસની વેબસાઇટ પર શૅર કરાયેલા જેફરી એપ્સ્ટાઇન પરના નવા દસ્તાવેજોમાં ૧૪ વર્ષની પીડિતાની ઓળખ જેન ડો તરીકે આપવામાં આવી છે. દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે જેફરી એપ્સટાઇને પીડિતા સાથે દુર્વ્યવહાર ચાલુ રાખ્યો હતો દસ્તાવેજોમાં આગળ જણાવાયું છે કે એપ્સટાઇને એ પછીનાં વર્ષોમાં જેન ડો સાથે વારંવાર દુર્વ્યવહાર કર્યો હતો. દસ્તાવેજમાં જણાવ્યા મુજબ ૧૯૯૪ના અંતમાં એપ્સટાઇને જેન ડોને તેના પૂલ હાઉસમાં આમંત્રણ આપ્યું હતું જ્યાં તેણે તેને પકડીને તેના ખોળામાં બેસાડી હતી અને હસ્તમૈથુન કરવાનું શરૂ કર્યું હતું. એપ્સટાઇને તેને કહ્યું હતું કે ટૂંક સમયમાં તેના મૉડલિંગ ફોટોઝ ફોટોગ્રાફરો લેશે અને તેઓ પણ આવી જ અપેક્ષા રાખશે.