28 September, 2025 08:49 AM IST | United Kingdom | Gujarati Mid-day Correspondent
યુનાઇટેડ નેશન્સમાં ભારતના પર્મનન્ટ મિશનનાં ફર્સ્ટ સેક્રેટરી પેટલ ગેહલોતે ગઈ કાલે ન્યુ યૉર્કમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો.
અમેરિકાના ન્યુ યૉર્કમાં ચાલી રહેલી યુનાઇટેડ નેશન્સ જનરલ અૅસેમ્બ્લીની ૮૦મી બેઠકમાં શુક્રવારે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે પોતાના ભાષણમાં ભારત પર અકારણ આક્રમણ કર્યાનો આરોપ લગાડીને ઑપરેશન સિંદૂરનો ઉલ્લેખ કર્યો હતો અને સાથે સાત ભારતીય જેટ વિમાનોને તોડી પાડ્યાં હોવાનો દાવો કર્યો હતો.
ગઈ કાલે યુનાઇટેડ નેશન્સમાં ભારતના કાયમી મિશનના પ્રથમ સચિવ પેટલ ગેહલોતે શાહબાઝ શરીફના ભાષણ પર જોરદાર જવાબ આપ્યો હતો. તેમણે પાકિસ્તાનને આતંકવાદનું એક્સપોર્ટર ગણાવીને કહ્યું હતું કે ‘જેમ તેમના વડા પ્રધાને દાવો કર્યો છે એમ જો બરબાદ થયેલા રનવે અને બળી ગયેલાં હૅન્ગર તેમને જીત જેવાં લાગતાં હોય તો પાકિસ્તાન એનો આનંદ લઈ શકે છે. ઑપરેશન સિંદૂર દરમ્યાન પાકિસ્તાની સેનાએ જ યુદ્ધ રોકવાની અપીલ કરી હતી. દિલ્હી અને ઇસ્લામાબાદની વચ્ચે ત્રીજા કોઈ પક્ષના હસ્તક્ષેપની કોઈ ગુંજાઇશ નહોતી. ’