ઇમરાનના ઘરની તપાસના મામલે પાકિસ્તાનમાં હજી તનાવ અકબંધ

20 May, 2023 08:24 AM IST  |  Lahore | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાનના ઘરે ‘આતંકવાદીઓ’ છુપાયા હોવાનો આરોપ, વૉરન્ટ છતાં સર્ચ ન થઈ શક્યું

ઇમરાન ખાન (ફાઇલ તસવીર)

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના ઘરે છુપાયેલા ‘આતંકવાદીઓ’ની તપાસના મામલે હજી ઉકેલ આવ્યો નથી. ઑથોરિટીઝ ઘરની અંદર રહેલા ‘આતંકવાદીઓ’ની અટકાયત કરવા ઇચ્છે છે. બીજી તરફ લાહોરમાં ઇમરાન ખાનના ઘરે પોલીસ દ્વારા સર્ચ ઑપરેશનનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઍન્ટિ-ટેરરિઝમ કોર્ટ તરફથી સર્ચ વૉરન્ટ મેળવ્યા બાદ સરકારની ટીમ એક કલાક કરતાં વધારે સમય સુધી સર્ચ ઑપરેશન વિશે ચર્ચા કરવા માટે ઇમરાનના ઘરે હતી, પણ કોઈ ઉકેલ આવ્યો નથી. ઇમરાને સર્ચ ઑપરેશન માટે કેટલીક શરતો મૂકી છે. આ સરકારી ટીમ એને સરકાર સમક્ષ રજૂ કરશે. ઑથોરિટીઝે એ વાતના પણ પુરાવા આપ્યા હતા કે આર્મીનાં સંસ્થાનો પર જે લોકોએ હુમલો કર્યો છે તેઓ ઇમરાનના ઘરે છુપાયા છે. જોકે ઇમરાન આ વાત માનવા તૈયાર નથી. દરમ્યાન ઇમરાનના ચીફ સિક્યૉરિટી ઑફિસરે ગઈ કાલે જણાવ્યું હતું કે ઇમરાનના ઘરની મુલાકાત લેનાર પંજાબ પોલીસ આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઑપરેશન કરવા આવી હતી, પરંતુ માત્ર પાણી અને બિસ્કિટ લઈને પાછી ફરી હતી.

ઑથોરિટીઝે દાવો કર્યો હતો કે ઇમરાનના નિવાસસ્થાનમાંથી ભાગવાની કોશિશ કરી રહેલા વધુ છ ‘આતંકવાદીઓ’ની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં ધરપકડ કરાયેલા ‘આતંકવાદી’ઓની સંખ્યા ૧૪ પર પહોંચી છે. 

ત્રણ કેસમાં આગોતરા જામીન મળ્યા

લાહોરમાં ઍન્ટિ-ટેરરિઝમ કોર્ટે ગઈ કાલે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને ત્રણ કેસમાં આગોતરા જામીન આપ્યા હતા. નવમી મેએ તેમની ધકપકડ બાદ આ ત્રણ કેસ તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યા હતા. બીજી જૂન સુધી તેમને જામીન આપતી વખતે લાહોર ઍન્ટિ-ટેરરિઝમ કોર્ટે પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના ૭૦ વર્ષના આ ચીફને આ કેસની તપાસમાં સામેલ થવાનો આદેશ આપ્યો હતો, જેમાંથી એક કેસ લાહોરમાં કૉર્પ્સ કમાન્ડરના ઘર પર હુમલાના સંબંધમાં છે. કોર્ટરૂમ ખાતે રિપોર્ટર્સને ઇમરાને કહ્યું હતું કે તેમણે છેલ્લાં ૩૫ વર્ષમાં ક્યારેય આ પ્રકારની કાર્યવાહી જોઈ નથી.

international news pakistan imran khan