01 January, 2026 10:02 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent
ઇન્ટરનૅશનલ મૉનેટરી ફન્ડ (IMF)
પાકિસ્તાનનું આર્થિક સંકટ વધુ ઘેરું બન્યું છે અને એના પરનું વિદેશી દેવું ૧૩૧ બિલ્યન ડૉલર (આશરે ૧૧,૭૭૭ અબજ રૂપિયા)થી વધુ થઈ ગયું છે, સરકાર હવે રોજિંદા ખર્ચને પહોંચી વળવા માટે ઉધાર લે છે એથી ઇન્ટરનૅશનલ મૉનેટરી ફન્ડ (IMF)ની શરતોને પૂર્ણ કરવા અને ડિફૉલ્ટના જોખમને ટાળવા માટે પાકિસ્તાને દોડધામ શરૂ કરી દીધી છે અને પ્રાઇવેટાઇઝેશનના અભિયાનને ઝડપી બનાવ્યું છે. IMFએ સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યની કોઈ પણ બેલઆઉટ વ્યવસ્થા માટે મોટા પાયે ખાનગીકરણ પૂર્વશરત છે. નિષ્ણાતોએ પણ ચેતવણી આપી છે કે નોંધપાત્ર રીસ્ટ્રક્ચરિંગ અને સંપત્તિના ઑફલોડિંગ વિના પાકિસ્તાન શ્રીલંકા જેવા દેવાના સંકટનો સામનો કરી શકે છે.
પાકિસ્તાન ઇન્ટરનૅશનલ ઍરલાઇન્સ (PIA)ના ખાનગીકરણ બાદ હવે બૅન્કો, વીમા-કંપની, હોટેલો, વીજળી ઉત્પાદન કરનારી અને વિતરણ કરનારી કંપનીઓને વેચવા કાઢવામાં આવી છે. પાવર વિતરણ, બૅન્કિંગ, હૉસ્પિટાલિટી, વીમા અને ઊર્જા સહિત અનેક જાહેર ક્ષેત્રની સંસ્થાઓ ૨૦૨૬ના અંત પહેલાં ખાનગી હાથમાં ટ્રાન્સફર થઈ શકે છે.
સરકારી દસ્તાવેજો અને કૅબિનેટ ચર્ચાઓ સૂચવે છે કે આ કાર્યક્રમ અર્થતંત્રને સ્થિર કરવા માટે કરો યા મરોની જરૂરિયાત છે, જ્યારે ટીકાકારો દલીલ કરે છે કે સરકાર વર્ષોના ગેરવહીવટને ઢાંકવા માટે વ્યૂહાત્મક સંપત્તિઓ વેચી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાં કેટલાક લોકો જેને ‘એજન્ડા-5’ યોજના તરીકે ઓળખે છે એ હેઠળ આગામી ૧૨ મહિનામાં ખાનગીકરણ માટે પાંચ મુખ્ય કંપનીઓને શૉર્ટલિસ્ટ કરવામાં આવી છે.