27 September, 2025 01:03 PM IST | New York | Gujarati Mid-day Correspondent
શુક્રવારે વાઇટ હાઉસની એક રૂમમાં ડોનલ્ડ ટ્રમ્પને મળવાની રાહ જોતા પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને સેનાપ્રમુખ આસિમ મુનીરના ફોટો વાઇરલ થયા હતા.
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને સેનાપ્રમુખ આસિમ મુનીરની અમેરિકામાં ભારે ફજેતી થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. અમેરિકામાં ડોનલ્ડ ટ્રમ્પને મળવા વાઇટ હાઉસ પહોંચેલા પાકિસ્તાનના નામપૂરતા અને સાચા પ્રમુખ બન્નેને અડધો કલાક સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા. બન્નેને એક અલગ રૂમમાં બેસાડી દેવામાં આવ્યા હતા. આ બન્ને ડોનલ્ડ ટ્રમ્પની રાહ જોઈ રહ્યા હતા ત્યારે ટ્રમ્પ મીડિયા સામે ટિકટોક સંબંધિત એક ઑર્ડર પર હસ્તાક્ષર કરી રહ્યા હતા. લાંબી પ્રતીક્ષા પછી પાકિસ્તાનના વડા પ્રધાન અને સેનાપ્રમુખને પ્રેસિડન્ટ સાથે મુલાકાત કરવા મળી હતી.
સામાન્ય રીતે વાઇટ હાઉસ પ્રેસિડન્ટની વિદેશી નેતાઓ કે પ્રતિનિધિઓ સાથેની મુલાકાતના ફોટો મીડિયામાં શૅર કરતું હોય છે, પણ આ વખતે શાહબાઝ શરીફ કે આસિમ મુનીરના ડોનલ્ડ ટ્રમ્પને મળતા ફોટો વાઇટ હાઉસે શૅર કર્યા નહોતા. ઊલટું, શરીફ અને મુનીર વાઇટ હાઉસના પરિસરમાં ડોનલ્ડ ટ્રમ્પની રાહ જોઈ રહ્યા હોય એવા ફોટો શૅર કરવામાં આવ્યા હતા. ડોનલ્ડ ટ્રમ્પ સાથે બેઠક થઈ એના અહેવાલ અને ફોટો માત્ર પાકિસ્તાનના સત્તાવાર સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સથી જાહેર કરવામાં આવ્યા હતા.