દેશનિકાલ, આજીવન કેદ કે મૃત્યુદંડ?

17 May, 2023 11:56 AM IST  |  Islamabad | Gujarati Mid-day Correspondent

ઇમરાન ખાનને આ ત્રણમાંથી કોઈ એક સજા થવાની શક્યતા એટલા માટે વ્યક્ત કરાઈ છે કે પાકિસ્તાનની આર્મીએ તેમની વિરુદ્ધ આર્મી ઍક્ટ હેઠળ કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે

ઇમરાન ખાન ફાઇલ તસવીર

પાકિસ્તાનમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન માટે પાકિસ્તાનની આર્મી મુશ્કેલી ઊભી કરે એવી શક્યતા જણાઈ રહી છે. પાકિસ્તાનમાં આર્મી સામે સવાલ ઉઠાવનારા નેતાઓનો અંત આવી જાય છે ત્યારે હવે સવાલ એ છે કે શું ઇમરાનનો દેશનિકાલ કરવામાં આવશે કે આજીવન કેદની સજા આપવામાં આવશે કે પછી સીધી ફાંસીની સજા? ઇમરાનની વિરુદ્ધ આર્મી ઍક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે એવી શક્યતા છે. આર્મી પર હુમલો કરવાના કાવતરા બદલ આ કાર્યવાહી થઈ શકે છે.

પાકિસ્તાનની આર્મીના ટોચના અધિકારીઓએ રાવલપિંડીમાં આર્મીના જનરલ હેડક્વૉર્ટર્સ સહિત મિલિટરીનાં અનેક સંસ્થાનો પર તાજેતરમાં થયેલા હુમલાઓમાં સામેલ લોકોની વિરુદ્ધ ઍક્શન લેવાની વાત કહી છે. આવા તોફાની લોકોની વિરુદ્ધ પાકિસ્તાન આર્મી ઍક્ટ અને ઑફિશ્યલ સીક્રેટ ઍક્ટ હેઠળ સુનાવણી કરવામાં આવશે. ગયા મંગળવારે ઇસ્લામાબાદ હાઈ કોર્ટ ખાતે રેન્જર્સ દ્વારા ઇમરાનની ધરપકડના કારણે પાકિસ્તાનમાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં. હવે પાકિસ્તાનની આર્મી દ્વારા ટફ આર્મી ઍક્ટ અને ઑફિશ્યલ સીક્રેટ્સ ઍક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તો ઇમરાન અને તેમના સપોર્ટર્સ દોષી પુરવાર થતાં તેમને મૃત્યુદંડ કે આજીવન કેદની સજા થઈ શકે છે. દરમ્યાન પાકિસ્તાન હાઈ કોર્ટે હિંસા અને દેશદ્રોહને સંબંધિત બે કેસમાં ઇમરાનના જામીનની મુદત આઠમી જૂન સુધી વધારી હતી. 

international news pakistan imran khan islamabad