પાકિસ્તાનને સિંધુ નદીમાં મળ્યો ૮૦,૦૦૦ કરોડ રૂપિયાનો સોનાનો ભંડાર

05 March, 2025 08:38 AM IST  |  Pakistan | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના અટક જિલ્લામાં આ સોનાનો ભંડાર મળી આવ્યો છે

પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાનને એક મોટી આર્થિક રાહત મળે એવી આશા જાગી છે. અટક જિલ્લામાં સિંધુ નદીમાં પાકિસ્તાનને સોનાના ભંડારનો વિશાળ જથ્થો મળી આવ્યો છે અને અહીં આશરે ૮૦,૦૦૦ કરોડ રૂપિયાનું સોનું મળે એવી ધારણા છે.

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના અટક જિલ્લામાં આ સોનાનો ભંડાર મળી આવ્યો છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન માટે આ સંજીવનીનું કામ કરે એવી શક્યતા છે. આ સોનાના ભંડારને માઇનિંગ દ્વારા બહાર કાઢવાની યોજના બનાવવામાં આવી રહી છે જેનાથી દેશને આર્થિક મજબૂતી મળશે.

હિમાલયનું સોનું

આ ગોલ્ડ રિઝર્વ બાબતે ભૂવૈજ્ઞાનિકોનું માનવું છે કે આ સોનું સિંધુ નદીના પાણી સાથે વહેતું-વહેતું હિમાલયમાંથી પાકિસ્તાન પહોંચ્યું હતું. ભારતના વિભાજન પહેલાં આ ભારતનો હિસ્સો હતો, પણ હવે એ પાકિસ્તાનમાં આવે છે. સોનું નદીમાં નાના-નાના ટુકડા કે નગેટ્સના રૂપમાં મળે છે. લગાતાર પ્રવાહિત રહેવાને કારણે કણ ચપટા કે પૂર્ણ રીતે ગોળ થઈ જાય છે. સિંધુ નદી ઘાટી ખનીજ સંસાધનોમાં સમૃદ્ધ છે અને બહુમૂલ્ય ધાતુઓનો ભંડાર માનવામાં આવે છે.

પરિસ્થિતિ મજબૂત થશે

જો આ માઇનિંગ-અભિયાન સફળ રહ્યું અને પાકિસ્તાન આ સોનું કાઢવામાં સક્ષમ રહ્યું તો પાકિસ્તાનમાં સોનાનું ઉત્પાદન વધશે અને એની વૈશ્વિક દૃષ્ટિએ પરિસ્થિતિ મજબૂત થશે. આગામી દિવસોમાં એ નક્કી થશે કે આ શોધખોળ પાકિસ્તાન માટે આર્થિક વરદાન સાબિત થશે કે પછી એ ખોવાયેલો અવસર બની રહેશે. 

international news pakistan world news himalayas