Pakistan: મસ્જિદ બાદ હવે 25 સશસ્ત્ર આતંકવાદીઓએ પોલીસ સ્ટેશન પર કર્યો હુમલો

01 February, 2023 11:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પોલીસના જણાવ્યા અનુસાર, 20થી 25 ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓના એક જૂથે પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. જો કે બંને તરફથી ભારે ગોળીબાર બાદ આતંકીઓ ભાગી ગયા હતા

પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાન (Pakistan)ની મુશ્કેલીઓ સતત વધી રહી છે. એક તરફ આર્થિક સંકટ અને બીજી તરફ આતંકવાદે દેશની કમર તોડી નાખી છે. પેશાવરની મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાંથી દેશ હજુ બહાર આવ્યો નહોતો કે બીજો આતંકવાદી હુમલો થયો. આ વખતે આતંકવાદીઓએ પોલીસ સ્ટેશનને નિશાન બનાવ્યું છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મિયાંવાલી જિલ્લાના એક પોલીસ સ્ટેશન પર મંગળવારે રાત્રે આતંકી હુમલો થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, 20થી 25 ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓના એક જૂથે પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. જો કે બંને તરફથી ભારે ગોળીબાર બાદ આતંકીઓ ભાગી ગયા હતા.

ડોનની વેબસાઈટ અનુસાર, પાકિસ્તાન પોલીસે પોલીસ સ્ટેશન પર આતંકી હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. ઈન્સ્પેક્ટર જનરલ પોલીસ (આઈજીપી) પંજાબ ડૉ. ઉસ્માન અનવરે આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવવા માટે પોલીસ સ્ટેશનના એસએચઓને અભિનંદન પાઠવ્યા છે. હુમલા સમયે ડીપીઓ મિયાંવાલી પણ વધારાના ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ પછી જિલ્લા મુખ્યાલય હૉસ્પિટલમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી.

સોમવારે મસ્જિદમાં લોકોનું લોહી વહ્યું

સોમવારે (30 જાન્યુઆરી) પાકિસ્તાનની ધરતી લોહિયાળ બની હતી. પેશાવર મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હુમલામાં મૃતકોની સંખ્યા હવે વધીને 90 થઈ ગઈ છે. મસ્જિદના કાટમાળમાંથી હજુ પણ મૃતદેહોની શોધ ચાલી રહી છે. હુમલામાં 150થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમની સારવાર હૉસ્પિટલમાં ચાલી રહી છે.
પેશાવર પોલીસ લાઈન્સ વિસ્તારમાં આવેલી મસ્જિદમાં વિસ્ફોટ બાદ ઈમારતનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. હુમલાખોરે મસ્જિદમાં નમાજ દરમિયાન પોતાની જાતને ઉડાવી દીધી હતી.

આ પણ વાંચો: પેશાવરની મસ્જિદમાં વિસ્ફોટ, ૪૬નાં મોત, ૧૫૦થી વધુ ઈજાગ્રસ્ત

પાકિસ્તાનના પેશાવરની એક મસ્જિદમાં સોમવારે થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 90થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. આ વિસ્ફોટમાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. તેને ફિદાયીન હુમલો કહેવામાં આવ્યો, જે જગ્યાએ હુમલો થયો તે કિલ્લેબંધી વિસ્તાર છે અને ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે. વિસ્ફોટ સમયે મસ્જિદમાં નમાઝ ચાલી રહી હતી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે મસ્જિદની ઇમારતની છત તૂટી પડી હતી અને સેંકડો લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.

international news pakistan