Operation Sindoorને પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે ગણાવ્યું ‘યુદ્ધનું કૃત્ય’ કહ્યું કે...

08 May, 2025 07:05 AM IST  |  Pakistan | Gujarati Mid-day Online Correspondent

Operation Sindoor: પાકિસ્તાને તેઓના વિસ્તારમાં હુમલા કરવા બદલ ભારતની ટીકા કરી છે અને લશ્કરી કાર્યવાહીને "યુદ્ધનું કૃત્ય" ગણાવ્યું છે

પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફની ફાઇલ તસવીર

ઓપરેશન સિંદૂર (Operation Sindoor)ની કડક કાર્યવાહી બાદ પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે પોતાનું નિવેદન જારી કર્યું છે. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર અને પંજાબ પ્રાંતમાં આતંકવાદીઓના ઠેકાણાઑને ટાર્ગેટ બનાવીને આજે જ્યારે ભારતીય સેનાએ મિસાઇલ હુમલો કર્યો છે તે હુમલાને શહબાઝ શરીફે એક્ટ ઓફ વૉર એટલે કે યુદ્ધાત્મક પગલું ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તેઓના દેશને આ હુમલાનો યોગ્ય જવાબ આપવાનો પણ સંપૂર્ણ અધિકાર છે.

પહલગામ આતંકવાદી હુમલાનો બદલો વાળતાં ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂર (Operation Sindoor) હેઠળ આજે વહેલી સવારે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા. આ એ જ ઠેકાણા છે જ્યાંથી ભારત સામે આતંકવાદી હુમલાનું આયોજન અને નિર્દેશન કરવામાં આવ્યું હતું, એમ ભારતીય સેનાએ જણાવ્યું હતું.

પાકિસ્તાને તેઓના વિસ્તારમાં હુમલા કરવા બદલ ભારતની ટીકા કરી છે અને લશ્કરી કાર્યવાહીને "યુદ્ધનું કૃત્ય" ગણાવ્યું છે. મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે પાકિસ્તાન "યુએન ચાર્ટરની કલમ-51 અને આંતરરાષ્ટ્રીય કાયદામાં સ્થાપિત મુજબ તેની પસંદગીના સમય અને સ્થળે યોગ્ય જવાબ આપવાનો અધિકાર ધરાવે છે".

વિદેશ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં પાકિસ્તાને કહ્યું હતું કે ભારતના ઓપરેશન સિંદૂરે "આંતરરાષ્ટ્રીય સરહદ પારની નાગરિક વસ્તીને નિશાન બનાવીને સ્ટેન્ડઓફ હથિયારોનો ઉપયોગ કરીને પાકિસ્તાનની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કર્યું છે". એમ કહીને પાકિસ્તાને આ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિતના નાગરિકોના મોત માટે પણ ભારતને જવાબદાર ઠેરવ્યું હતું.

Operation Sindoor: સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરીએ જણાવ્યું હતું કે "કોઈ ભારતીય વિમાન પાકિસ્તાનમાં ઘૂસ્યું નથી અને કોઈ પાકિસ્તાની વિમાન ભારતમાં પણ ઘૂસ્યું નથી. પાકિસ્તાન વાયુસેનાની બધી સંપત્તિ સુરક્ષિત છે":

પાકિસ્તાનના વડાપ્રધાન શરીફે કહ્યું કે તેમના સશસ્ત્ર દળો "દુશ્મનનો સામનો કેવી રીતે કરવો તે ખૂબ સારી રીતે જાણે છે." સાથે જ તેઓએ ઉમેર્યું કે,"અમે દુશ્મનને તેના નાપાક ઇરાદાઓમાં ક્યારેય સફળ થવા દઈશું નહીં." આમ કહેતાં જ પાકિસ્તાને આગામી 48 કલાક માટે તમામ હવાઈ કામગીરી માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારે ભારતીય હુમલાઓને પાકિસ્તાનની સાર્વભૌમત્વ, યુએન ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાનું "ઘોર ઉલ્લંઘન" ગણાવ્યું. વળી તેઓએ એક નિવેદનમાં એમ જણાવ્યું કે ભારતની પ્રાદેશિક શાંતિને જોખમમાં મુકાઇ છે.

સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે (Operation Sindoor) એક સમાચાર ચેનલને જણાવ્યું હતું કે, "અમે પૂરી તાકાતથી જવાબ આપીશું." આનો જવાબ એ રીતે જ ચૂકવવામાં આવશે જે રીતે એને ચૂકવવો જોઈએ.” આ સાથે જ તેઓએ ઉમેર્યું હતું કે પાકિસ્તાનનો જવાબ ઝડપી અને રાજદ્વારી હશે અને આ ભારતીય હુમલાનો જવાબ આપવામાં વધુ સમય પણ નહીં લાગે”

સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે જણાવ્યું હતું કે જો ભારત વર્તમાન પરિસ્થિતિને (Operation Sindoor) ઓછી કરવાનું પસંદ કરે તો પાકિસ્તાન ભારત સાથે તણાવ ઘટાડવા માટે તૈયાર છે.  એક ચેનલ સાથે વાત કરતાં તેઓએ કહ્યું કે પાકિસ્તાન કોઈ દુશ્મનાવટ શરૂ કરશે નહીં પરંતુ જો ઉશ્કેરવામાં આવશે તો જવાબ આપશે.

international news operation sindoor indian government pakistan Pahalgam Terror Attack indian army indian air force