તમારા વતી કોઈક બીજું ટેસ્ટી ફૂડ ખાઈ લે એવી સર્વિસ શરૂ થઈ ચીનમાં

15 April, 2019 03:04 PM IST  |  ચીન

તમારા વતી કોઈક બીજું ટેસ્ટી ફૂડ ખાઈ લે એવી સર્વિસ શરૂ થઈ ચીનમાં

જો તમને ફ્રીમાં ખાવા-પીવાનું અને સામેથી પૈસા પણ મળે એવું કામ જોઈતું હોય તો ચીન ભણી દોટ મૂકો. અહીં એક ઑનલાઇન સર્વિસ શરૂ થઈ છે જેમાં તમારે ક્લાયન્ટ કહે એ ચીજ ખાવાની અને ખાધાના પુરાવારૂપે એનો વિડિયો ક્લાયન્ટને મોકલવાનો. એ ડિશની કિંમત ઉપરાંત ૨૦થી ૯૦ રૂપિયા ક્લાયન્ટ તમને ચૂકવશે. યસ, આ જરાય ખયાલી પુલાવ નથી. હકીકતમાં ચાઇનીઝ કમર્શિયલ પ્લૅટફૉર્મ તાઓબાઓ પર આ સર્વિસ શરૂ થઈ છે.

નવાઈની વાત એ છે કે લોકો એ સર્વિસ લેવા માટે પડાપડી કરી રહ્યા છે. ચીનમાં કેટલાક ધનિક નબીરાઓ એવા છે જેમને કંઈ ન કરવાનો કંટાળો આવે છે. તેમને ખબર છે કે પોતાને મન ફાવે એવું ખાવાથી તેઓ નકામી કૅલરી શરીરમાં ખડકીને પોતાને જ નુકસાન કરશે એટલે તેમણે પોતાનું અમુકતમુક ચીજ ખાવાનું ક્રેવિંગ ઘટાડવા માટે બીજાને હાયર કરવાનું શરૂ કર્યું છે. તેમને અચાનક જે ડિશ ખાવાનું મન થયું હોય એ ચીજ બીજાને ખવડાવીને તેમને મજા આવે છે. કેટલાક ખાવાના શોખીનો માટે તો આ કમાવાનો પણ જરિયો બની રહ્યો છે. તેમણે ઑનલાઇન પોતાની સર્વિસ રજૂ કરી છે. ક્લાયન્ટની ઇચ્છા મુજબનું ખાવાની તૈયારી હોય તો બન્ને વચ્ચે જે-તે ડિશ ખાવાના પૈસા નક્કી થાય.

આ પણ વાંચો : રિટાયર્ડ ચાઇનીઝ સૈનિકે બન્ને પગ ન હોવા છતાં વાવ્યાં છે 17,000 વૃક્ષો

ડીલ નક્કી થયા પછી સર્વિસ પ્રોવાઇડરે જે-તે રેસ્ટોરાંમાં જઈને કૅમેરા સામે નિશ્ચિત ડિશ ઑર્ડર કરવાની અને ખાવાની. આનું લાઇવ પ્રસારણ ક્લાયન્ટને જોવા મળે. કેટલાક ક્લાયન્ટ જે-તે ડિશના ટેસ્ટ વિશે લખાણની ડિમાન્ડ પણ કરે છે. આવું કરવાથી ક્લાયન્ટને શું ફાયદો થાય એ તો હજી સ્પષ્ટ નથી, પરંતુ પોતાના વતી બીજા પાસે ખાવાનું ખવડાવનારા લોકોની સંખ્યા ખાસ્સીએવી વધી છે એવું તાઓબાઓ પ્લૅટફૉર્મ પર જોવા મળે છે.

china