25 June, 2026 10:08 AM IST | New York | Gujarati Mid-day Correspondent
૧૦૦૦થી વધુ ન્યુ યૉર્કવાસીઓએ ફળોનો સ્વાદ માણ્યો હતો
અમેરિકાના ન્યુ યૉર્કમાં ભારતીય કૉન્સ્યુલેટ જનરલે યુનિયન સ્ક્વેર સ્થિત ટાઇમ આઉટ માર્કેટ ખાતે ભારતીય કેરી મહોત્સવનું આયોજન કર્યું હતું, જેમાં ગીરની પ્રખ્યાત ભારતીય કેરી કેસર અને વારાણસીની લંગડા કેરીનો સમાવેશ થતો હતો. કેસર અને લંગડા સહિતની પ્રખ્યાત ભારતીય કેરીની જાતો એમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. ૧૦૦૦થી વધુ ન્યુ યૉર્કવાસીઓએ ફળોનો સ્વાદ માણ્યો હતો. આ કેરીઓનો આસ્વાદ કરનારી એક વ્યક્તિએ કહ્યું હતું કે મેં ખાધેલાં શ્રેષ્ઠ ફળોમાંથી આ એક છે. આ મુદ્દે ડેપ્યુટી કૉન્સલ-જનરલ વિશાલ હર્ષે જણાવ્યું હતું કે ‘વરસાદી વાતાવરણ હોવા છતાં લોકો લાઇનમાં ઊભા રહ્યા હતા. લોકોએ આ સ્વાદિષ્ટ કેરીનો આસ્વાદ કર્યો હતો અને ભારતીય કેરીઓ ઝડપથી બધાની પ્રિય બની ગઈ હતી.’
વારાણસીમાં ગંગા નદીમાં બોટ પર ચિકન રાંધવા અને બિઅર પીવાના આરોપસર પાંચ જણની ધરપકડ કરવામાં આવી છે અને ત્રણ જણની શોધ ચાલી રહી છે. પકડાયેલા લોકોમાં અનુરાગ સૈની, રાહુલ સૈની, અજય સૈની, દીપકકુમાર અને અરુણકુમારનો સમાવેશ છે. એક વિડિયો સામે આવ્યા બાદ પોલીસે બોટ જપ્ત કરી છે. આ બોટ કથિત રીતે સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના નેતા સત્યનારાયણ સાહનીની હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે પોલીસે આ આરોપોને નકારી કાઢ્યા હતા અને વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો. આ અગાઉ કેટલાક લોકોએ ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું અને ગંગા નદીમાં બાકી રહેલી નૉન-વેજ વસ્તુઓ ફેંકી દીધી હતી.
ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના લેહ શહેરમાં સિંધુ નદીના તટ પર જૂન મહિનામાં ખાસ સિંધુ દર્શન ઉત્સવ ઊજવવામાં આવે છે. સિંધુ નદી ભારતની વધૂનો દરજ્જો પામી છે. એને સાંસ્કૃતિક વિરાસત, સાંપ્રદાયિક સદ્ભાવ, રાષ્ટ્રીય એકતા અને પ્રાચીન સભ્યતાનું પ્રતીક પણ માનવામાં આવે છે. આ ઉત્સવમાં ભારતના વિભિન્ન ભાગોમાંથી આવેલા શ્રદ્ધાળુઓ તેમના રાજ્યની નદીઓનું જળ કળશમાં લઈને સિંધુ નદીમાં અભિષેક કરે છે. ગઈ કાલે પરમાર્થ નિકેતનના ગુરુ સ્વામી ચિદાનંદ સરસ્વતીએ સિંધુ ઘાટ પર નદીની આરતી અને પૂજા કર્યાં હતાં.
ગઈ કાલે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ટીમે આખા શહેરમાં ફરીને મોટી સંખ્યામાં ભિક્ષુકોને શોધી કાઢ્યા હતા અને આશ્રયગૃહોમાં લઈ ગયા હતા. અમદાવાદને બેગર્સ-ફ્રી’ બનાવવાની સ્પેશ્યલ મેગા ડ્રાઇવના ભાગરૂપે હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં ૩ દિવસમાં ૮૪ પુરુષો, ૬૬ સ્ત્રીઓ અને ૯૪ બાળકોને ભિક્ષુકગૃહમાં મોકલવામાં આવ્યાં છે.