02 September, 2026 08:34 AM IST | New York | Gujarati Mid-day Correspondent
ન્યુ યૉર્કના ટાઇમ્સ સ્ક્વેરમાં ચાકુબાજ મહિલાને પોલીસે ગોળીએ દીધી
ન્યુ યૉર્કના ધમધમતા ટાઇમ્સ સ્ક્વેરમાં સોમવારે એક હચમચાવી નાખનારી ઘટના બની હતી. બન્ને હાથમાં બે છરી લઈને આવેલી એક મહિલાએ બે લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થતાં તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
આ ઘટનાનો એક વિડિયો પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. વિડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પાંચથી ૬ પોલીસ અધિકારીઓએ મહિલાને ઘેરી લીધી હતી. આમ છતાં તે ડર્યા વિના બન્ને હાથમાં છરી લઈને એક અધિકારી પર હુમલો કરવા ધસી ગઈ હતી. સ્વબચાવમાં અધિકારીએ તરત જ બંદૂક કાઢીને ૩ ગોળી ધરબી દેતાં મહિલા જમીન પર ફસડાઈ પડી હતી અને તેનું મોત થયું હતું.
ન્યુ યૉર્કના મેયર ઝોહરાન મમદાનીએ જણાવ્યું હતું કે ન્યુ યૉર્ક પોલીસ ડિપાર્ટમેન્ટ (NYPD)ના અધિકારીઓએ હુમલાખોરને રોકવા પહેલાં ટેઝર ગનનો ઉપયોગ કર્યો હતો, પરંતુ તે ન રોકાતાં આખરે ગોળીબાર કરવો પડ્યો હતો. પોલીસે આ ઘટના પાછળનો હેતુ જાણવા તપાસ શરૂ કરી છે.