22 May, 2026 11:01 AM IST | New York | Gujarati Mid-day Correspondent
ગુરુવાર સવાર સુધીમાં પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી
અમેરિકાના ન્યુ યૉર્ક શહેરના ક્વીન્સ અને બ્રુકલિન વિસ્તારમાં બુધવારે એક કલાકથી પણ ઓછા સમયમાં લગભગ બે ઇંચ વરસાદ પડતાં પૂર જેવી સ્થિતિ થઈ હતી. રોડ નદીઓમાં તબદીલ થઈ ગયા હતા અને અનેક ગાડીઓ પાણીમાં ડૂબી ગઈ હતી. અમુક જગ્યાએ તો પાણીનો કરન્ટ એટલો તીવ્ર હતો કે બસમાંથી ઊતરતી વખતે કેટલાક પ્રવાસીઓ પાણીમાં વહી જતા જોવા મળ્યા હતા. સ્થાનિક પ્રશાસને ઇમર્જન્સી વૉર્નિંગ જાહેર કરી હતી. જોકે ગુરુવાર સવાર સુધીમાં પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી.
ચીનમાં તોફાની વરસાદને કારણે પચીસનાં મોત, ૨૦ મિસિંગ
ચીનમાં કુદરતી આફત અને ખરાબ મોસમની ઘટનાઓ બનતી રહે છે. જોકે છેલ્લા બે દિવસથી ગરમીના સમયમાં ચીનના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. સરકારી ન્યુઝ એજન્સી શિન્હુઆના રિપોર્ટ મુજબ હુનાન પ્રાંતમાં મુશળધાર વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયાં હતાં અને નદીનાં પાણી શહેરમાં ફરી વળતાં અનેક વાહનો અને રહેણાક વિસ્તારો જળમગ્ન થઈ ગયાં હતાં. લગભગ ૬૧,૫૦૦ લોકો ભારે વરસાદથી પ્રભાવિત થયા હતા અને બે દિવસમાં પચીસ લોકોએ જીવ ગુમાવ્યા હતા. હજી ૨૦ જણ મિસિંગ છે.