29 August, 2026 05:27 PM IST | Kathmandu | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
નેપાળમાં અચાનક આવેલા ભયંકર પૂરને લીધે પરિસ્થિતિ ગંભીર બની છે. પૂર અને તેના પરિણાને લીધે મૃત્યુઆંક 600 ને વટાવી ગયો છે, જેમાં આશરે 2,000 લોકો ગુમ થયાના અહેવાલ છે. બચાવ અને રાહત કામગીરી ચાલુ છે. સોશિયલ મીડિયા પર પૂરના અસંખ્ય વીડિયો પોસ્ટ થઈ રહ્યા છે, જેમાં વિનાશ અને અસરગ્રસ્ત વિસ્તારોમાં પરિસ્થિતિ દર્શાવવામાં આવી છે. ભારત સહિત વિવિધ દેશોના પ્રવાસીઓ નેપાળમાં ફસાયેલા છે. ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાના પ્રયાસો ચાલી રહ્યા છે, જોકે તેમાંથી કેટલાક સાથે હજી સુધી સંપર્ક સ્થાપિત થયો નથી. આ બધા વચ્ચે બૅન્ક લૉકર પણ તણાઈ ગયા હોવાના અહેવાલછે.
આ દરમિયાન, ધાડિંગ જિલ્લામાં બૅન્ક લૉકરમાંથી રોકડ લૂંટવાની ઘટના પ્રકાશમાં આવી છે. અહેવાલો દર્શાવે છે કે ભોટેકોશી નદી વિસ્તારમાંથી એક બૅન્ક લૉકર પૂરના પાણીમાં ત્રિશુલી નદીમાં વહી ગયું હતું. લૉકર આખરે ધાડિંગ જિલ્લાના ગલછી ગામના બેલખુખોલા નજીક પહોંચ્યું હતું. એવો આરોપ છે કે 29 વ્યક્તિઓએ લૉકર તોડીને અંદરની રોકડ ચોરી કરી હતી. પોલીસને માહિતી મળી હતી કે સ્થાનિક લોકો લૉકર તોડીને પૈસા લઈ ગયા છે; ત્યારબાદ, તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા, કાર્યવાહી શરૂ કરી અને અનેક સ્થળોએ દરોડા પાડ્યા. પોલીસે આ કેસના સંદર્ભમાં 29 લોકોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી 9,268,505 નેપાળી રૂપિયા કબજે કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા મોટાભાગના લોકો ગલછીના માસ્ટર ગામના રહેવાસી છે.
પૂર બાદ ભારતે નેપાળને તાત્કાલિક સહાય પૂરી પાડી છે. ભારતીય સેનાના વિમાન દ્વારા દસ ટન રાહત સામગ્રી નેપાળ મોકલવામાં આવી હતી. ભારતે બચાવ કામગીરીમાં મદદ કરવાની પણ ઓફર કરી હતી. અમેરિકા સહિત અનેક દેશોએ નેપાળને ટેકો આપવાનું વચન આપ્યું છે. અમેરિકાએ કહ્યું છે કે તે જરૂરી સહાય પૂરી પાડવાની તૈયારી કરી રહ્યું છે.
નેપાળમાં મોટી સંખ્યામાં લોકો ગુમ છે. ઘણા પરિવારો તેમના પ્રિયજનોનો સંપર્ક કરી શક્યા નથી. પૂરમાં લોકોના તણાઈ જવાના અહેવાલો પણ છે. સ્થાનિક લોકો ઉપરાંત, 517 વિદેશી નાગરિકો પણ ગુમ થયાના અહેવાલ છે. રાહત અને બચાવ કામગીરીની સાથે ગુમ થયેલા વ્યક્તિઓની શોધ ચાલુ છે.
મહાપૂરમાં જીવ ગુમાવનારી મહિલાના કાનમાંથી સોનાના દાગીના તફડાવતા હોવાના આરોપમાં નેપાલમાં બે પુરુષોની ધરપકડ કરવામાં આવી હતી. પોખરા બસ પાર્ક નજીક પોલીસે બે શંકાસ્પદો પચીસ વર્ષના મદન ગુરુંગ અને ૩૮ વર્ષના ઉમેશ ચૌધરીની ઓળખ કરી હતી અને પછી ધરપકડ કરી હતી. આ સંદર્ભમાં વાઇરલ થયેલા એક વીડિયોમાં દેખાય છે કે બે પુરુષો પૂરના પાણીમાં મૃત હાલતમાં મળી આવેલી એક મહિલાના શરીર પરથી સોનાની બુટ્ટીઓ કાઢી રહ્યા છે. વીડિયોમાં પુરુષો નારાયણી નદીમાંથી એક મહિલાના શરીરને તેના વાળથી અને લાકડાના પાટિયાની મદદથી ખેંચતા પણ જોવા મળે છે. આ સમયે ઘણા લોકો ત્યાં ઊભા રહેલા પણ જોઈ શકાય છે.