28 August, 2026 06:55 AM IST | Nepal | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નેપાલની તારાજી વચ્ચે બિદુર વિસ્તારમાંથી ચમત્કારિક બચાવની એક ઘટના સામે આવી છે. ૨૪ વર્ષનો બિબેક કુમાલ નવા ઘરની બહાર શૌચાલયના ખાળકૂવા માટે પાંચ ફુટ ઊંડો ખાડો ખોદી રહ્યો હતો ત્યારે જ અચાનક ભૂકંપ જેવો અવાજ આવ્યો અને પાણીની એક વિશાળ દીવાલ તેના પર ધસી આવી હતી.
તેની સાથે કામ કરતા મજૂરો બૂમો પાડીને ભાગી છૂટ્યા હતા, પણ બિબેક માંડ ખાડામાંથી બહાર નીકળ્યો ત્યાં સુધીમાં તો પાણી ફરી વળ્યું હતું. જીવ બચાવવા તે દોડ્યો અને પાસે જ આવેલા આંબાના ઝાડ પર ચડી ગયો હતો. પાણી અને પથ્થરોની થપાટથી તેનો જમણો પગ ગંભીર રીતે ઘાયલ થયો હતો, પરંતુ તેણે ઝાડને મજબૂતીથી પકડી રાખ્યું. તેની નજર સામે જ તેનું આખું નવું ઘર પાણીમાં તણખલાની જેમ તણાઈ ગયું હતું.
પોલીસે બાદમાં તેને રેસ્ક્યુ કર્યો હતો. કાઠમાંડુના નૅશનલ ટ્રૉમા સેન્ટરમાં સારવાર લઈ રહેલા બિબેકે કહ્યું કે જો આંબાનું ઝાડ ન હોત તો હું ચોક્કસ પાણીમાં તણાઈને મોતને ભેટ્યો હોત.