નાટો દેશો પોલૅન્ડ અને સ્લોવાકિયા ફાઇટર જેટથી યુક્રેનની શક્તિ વધારશે

18 March, 2023 10:48 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

આ બન્ને દેશ રશિયા વિરુદ્ધ લડવા માટે યુક્રેનને પહેલી વખત મૂળ સોવિયેટ મિગ૨૯ ફાઇટર પ્લેન આપશે

ફાઇલ તસવીર

રશિયા સામે અસ્તિત્વ ટકાવવા માટે યુક્રેનને પશ્ચિમી દેશો ભરપૂર સાથ આપી રહ્યા છે. નાટો (નૉર્થ ઍટલાન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન) દેશો યુક્રેનના પડખે ઊભા રહ્યા છે અને યુક્રેનને વધુ ને વધુ મદદ કરવાની હાકલ કરવામાં આવી રહી છે. એ માટે જ પોલૅન્ડ અને સ્લોવાકિયાએ યુક્રેનને ફાઇટર પ્લેન મોકલવાની જાહેરાત કરી છે. પોલૅન્ડે ગુરુવારે આ જાહેરાત કરી હતી, જ્યારે સ્લોવાકિયાએ ગઈ કાલે આ જાહેરાત કરી હતી. એની સાથે જ પોલૅન્ડ અને સ્લોવાકિયા યુક્રેનને ફાઇટર પ્લેન આપનારા નાટોના સૌપ્રથમ દેશ બનશે. પોલૅન્ડ અને સ્લોવાકિયા યુક્રેનને મૂળ સોવિયેટ મિગ૨૯ ફાઇટર પ્લેન આપશે. પોલૅન્ડ દ્વારા કેટલી સંખ્યામાં ફાઇટર પ્લેન આપવામાં આવશે એ નક્કી નથી, પરંતુ આગામી થોડા દિવસમાં જ ફાઇટર પ્લેન પહેલા તબક્કામાં આપવામાં આવશે. સ્લોવાકિયા યુક્રેનને ૧૩ ફાઇટર જેટ્સ મોકલશે.

યુક્રેનના પ્રેસિડન્ટ વોલોદિમીર ઝેલેન્સ્કી સતત પશ્ચિમી દેશો પાસેથી સૉફિસ્ટિકેટેડ હથિયાર માગી રહ્યા છે. અત્યાર સુધી અમેરિકા અને યુરોપિયન દેશોએ યુક્રેનને ગન, વિસ્ફોટકો, ઍન્ટિ-ટૅન્ક અને ઍન્ટિ-ઍરક્રાફ્ટ હથિયાર, રૉકેટ લૉન્ચર્સ અને ટૅન્ક પૂરાં પાડ્યાં છે. જોકે ઝેલેન્સ્કી સતત ફાઇટર પ્લેન માગી રહ્યા છે. અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને અત્યાર સુધી યુક્રેનને અમેરિકન એફ૧૬ પ્લેન મોકલવાની વિનંતીને સ્વીકારી નથી.

ફેબ્રુઆરી ૨૦૨૨માં રશિયાએ આક્રમણની શરૂઆત કરી હતી ત્યારે યુક્રેન પાસે લગભગ ૧૨ મિગ૨૯ ફાઇટર જેટ હતાં, પણ હજી સુધી એ સ્પષ્ટ નથી કે એક વર્ષ કરતાં વધારે સમય સુધી યુદ્ધ ચાલ્યા બાદ એમાંથી કેટલાં બચ્યાં છે. યુક્રેનને ફાઇટર જેટ પૂરાં પાડવાં જોઈએ કે નહીં એની ગયા વર્ષથી જ ચર્ચા શરૂ થઈ હતી. જોકે નાટોના સભ્ય દેશોને એને લીધે રશિયા દ્વારા તેમને ટાર્ગેટ બનાવવામાં આવે એવો ભય હતો.

international news washington