હડતાળને કારણે જર્મનીમાં રેલ અને ઍર ટ્રાવેલ ઠપ થયાં

28 March, 2023 11:37 AM IST  |  Berlin | Gujarati Mid-day Correspondent

૨૪ કલાકની આ હડતાળ જર્મનીમાં છેલ્લા દશકાઓમાં સૌથી મોટી હડતાળ છે

જર્મનીના ફ્રૅન્કફર્ટમાં હડતાળને કારણે મેઇન ટ્રેન સ્ટેશનની બહાર પાર્ક કરવામાં આવેલી ટ્રેનો.

જર્મનીના મોટા ભાગના વિસ્તારોમાં ગઈ કાલે ટ્રેન, પ્લેન અને પબ્લિક ટ્રાન્ઝિટ સિસ્ટમ સર્વિસિસ ઠપ થઈ ગઈ હતી, કેમ કે વધતી મોંઘવારી મુજબ પગારમાં વધારો કરવાની માગણી સાથે કામદાર સંગઠનોએ એક દિવસની હડતાળ જાહેર કરી હતી. ૨૪ કલાકની આ હડતાળ જર્મનીમાં છેલ્લા દશકાઓમાં સૌથી મોટી હડતાળ છે, જેનાથી રેલ અને શિપ દ્વારા કાર્ગો ટ્રાન્સપોર્ટને પણ અસર થઈ હતી. 

જર્મનીમાં ફ્રૅન્કફર્ટમાં ઍરપોર્ટના સૂમસામ હૉલમાં હડતાળના કારણે કૅન્સલ થયેલી ફ્લાઇટ્સ ડિસ્પ્લે કરતું બોર્ડ.

આ હડતાળના કારણે જર્મનીમાં અનેક લોકોએ પોતાનાં વાહનોમાં ઑફિસમાં જવાનું પસંદ કર્યું હતું, જેના લીધે રસ્તાઓ પર ટ્રાફિક જૅમની સમસ્યા સર્જાઈ હતી. કેટલાક લોકોએ ઘરેથી કામ કરવાનું પણ પસંદ કર્યું હતું. 

કામદાર સંગઠનો વેતનમાં ઓછામાં ઓછા ૧૦.૫ ટકા વધારાની માગણી કરી રહ્યા છે, જે માગણી ઑથોરિટીઝ દ્વારા ફગાવી દેવામાં આવી છે. 

international news germany berlin