ઈરાનના ભૂતપૂર્વ સુપ્રીમ લીડર અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર માટે નરેન્દ્ર મોદીને આમંત્રણ

25 June, 2026 08:36 AM IST  |  Iran | Gujarati Mid-day Correspondent

તેહરાન તરફથી દિલ્હીને મળ્યો સત્તાવાર પત્ર, અમેરિકા અને ઇઝરાયલ સાથેના સંબંધો વચ્ચે ભારતની બેવડી રાજદ્વારી કસોટી

આયાતોલ્લા અલી ખામેનેઈ

ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાને દેશના ભૂતપૂર્વ સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખામેનેઈના અંતિમ સંસ્કારની વિધિમાં સામેલ થવા માટે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સત્તાવાર આમંત્રણ મોકલ્યું છે. રાજદ્વારી વર્તુળો દ્વારા બુધવારે મળેલી માહિતી મુજબ વિદેશમંત્રાલયને આ આમંત્રણપત્ર મળી ચૂક્યો છે. જોકે નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં રૂબરૂ જશે કે નહીં એ વિશે મિનિસ્ટ્રી ઑફ એક્સ્ટર્નલ અફેર્સ (MEA) દ્વારા હજી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ૩ દાયકા સુધી ઈરાન પર શાસન કરનારા ખામેનેઈ ૨૮ ફેબ્રુઆરીએ ઇઝરાયલ અને અમેરિકા દ્વારા કરવામાં આવેલા સંયુક્ત હુમલામાં મૃત્યુ પામ્યા હતા. ત્યાર બાદ તેમના પુત્ર મોજતબા અલ ખામેનેઈને ઈરાનના નવા સુપ્રીમ લીડર જાહેર કરવામાં આવ્યા હતા.

ખામેનેઈની અંતિમ વિધિ આગામી પાંચથી ૯ જુલાઈ દરમ્યાન તેહરાન, કુમ અને મશહદ શહેરમાં યોજાવાની છે. અમેરિકા અને ઇઝરાયલ બન્ને દેશો સાથે ભારતના અત્યંત ગાઢ સંબંધો હોવાને કારણે ખામેનેઈના મૃત્યુ સમયે ભારતે કોઈ સત્તાવાર વાંધો ઉઠાવ્યો નહોતો, પરંતુ રાજદ્વારી શિષ્ટાચારના ભાગરૂપે વિદેશસચિવ વિક્રમ મિસરીએ દિલ્હીસ્થિત ઈરાની દૂતાવાસની મુલાકાત લઈને શોક-મેસેજ જરૂર નોંધાવ્યો હતો. લાંબા સમય સુધી ચાલેલા અમેરિકા-ઈરાન સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે હોર્મુઝની ખાડી બંધ થતાં લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG) અને ક્રૂડના પુરવઠાને ભારે અસર થઈ હતી. હવે આ નાજુક ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિ વચ્ચે ઈરાનના આ આમંત્રણ પર ભારત કેવો નિર્ણય લે છે એના પર વૈશ્વિક નજર રહેશે.

international news world news mojtaba khamenei iran israel middle east crisis