15 May, 2023 01:06 PM IST | Dhaka | Gujarati Mid-day Correspondent
મ્યાનમારના રખાઇન રાજ્યમાં દરિયાકાંઠે આવેલી એક શેરીનું દૃશ્ય, જ્યાં ચક્રવાત મોચા ત્રાટક્યો હતો. તસવીર એ.એફ.પી.
ચક્રવાત મોચા ગઈ કાલે મ્યાનમાર-બંગલા દેશના દરિયાકાંઠા પર ત્રાટક્યો હતો, જેને કારણે નીચાણવાળા વિસ્તારમાં રહેતા પાંચ લાખ લોકોને ત્યાંથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. દરિયાકાંઠે ત્રાટક્યો ત્યારે એ પાંચમી કૅટેગરીના તોફાનમાં પરિવર્તિત થયો હતો. છેલ્લા બે દાયકામાં બંગલા દેશમાં ત્રાટકેલા સૌથી શક્તિશાળી ચક્રવાત પૈકી આ એક હતો. દરિયાકાંઠા પર ત્રાટકતાં પહેલાં એ બંગલા દેશ અને મ્યાનમારને વિભાજિત કરતી નાફ નદીમાંથી પસાર થયો હતો. ભારે ઝડપથી ફુંકાયેલા પવનોએ ટેકનફ અને સેન્ટ માર્ટિન ટાપુ પર આવેલાં વૃક્ષોને જડમૂળમાંથી ઉખાડી નાખ્યાં હતાં અને ઘરોનાં છાપરાંઓને નુકસાન પહોંચાડ્યું હતું. ચક્રવાતને કારણે બંગાળની ખાડીના કિનારે આવેલા ટેકનફ અને શોહપોરીમાં ૧૯૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. નાફ નદીમાં સવારે ૧૧ વાગ્યે મોટાં મોજાંઓ ઊછળતાં જોવા મળ્યાં હતાં.
બંગાળમાં હાઈ અલર્ટ
પશ્ચિમ બંગાળમાં ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ફોર્સના કર્મચારીઓ દરિયાકાંઠા નજીક આવેલાં શહેરોમાં નજર રાખી રહ્યા છે. ગઈ કાલે પ્રવાસીઓને બીચ પર જતા અટકાવવામાં આવ્યા હતા. પૂર્વા મેદિનીપુર જિલ્લાના દિધા અને મંદારમણી અને સાઉથ ૨૪ પરગણા જિલ્લાના બકખલી અને સુંદરવનમાં ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ફોર્સના જવાનો હાઈ અલર્ટ પર છે. તરવૈયાઓ સહિત એનડીઆરએફની સાત ટુકડીઓને ત્યાં તહેનાત કરવામાં આવી છે.