07 July, 2025 06:57 AM IST | Islamabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ટેક જાયન્ટ માઇક્રોસૉફ્ટે પચીસ વર્ષ પછી પાકિસ્તાનમાં એની કામગીરી બંધ કરી દીધી છે. માઇક્રોસૉફ્ટે ૨૦૦૦ની ૭ માર્ચે પાકિસ્તાનમાં કામ કરવાનું શરૂ કર્યું હતું અને ૨૦૨૫ની ૩ જુલાઈએ એનું કામકાજ સંપૂર્ણપણે બંધ કર્યું હતું. આમ માત્ર પચીસ વર્ષમાં કંપનીને પાકિસ્તાનથી મોહભંગ થઈ ગયો છે. કંપનીએ શટર પાળી દેવા બાબતે કોઈ કારણ આપ્યું નથી. પાકિસ્તાનમાં કામગીરી બંધ કરવાનો કંપનીનો આ નિર્ણય ફક્ત એક કૉર્પોરેટ પગલું નથી, એ વૈશ્વિક ડિજિટલ અર્થતંત્રમાં સ્પર્ધાત્મક ધાર ગુમાવી રહેલા પાકિસ્તાન જેવા રાષ્ટ્રનું પ્રતિબિંબ છે. સાઉથ એશિયાના પાંચમા ક્રમાંકના અર્થતંત્રમાંથી માઇક્રોસૉફ્ટનું બહાર નીકળવું પાકિસ્તાન માટે ફટકા સમાન છે.
ભૂતપૂર્વ પ્રેસિડન્ટે શું કહ્યું?
પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. આરિફ અલ્વીએ સોશ્યલ મીડિયા પર આ ઘટનાક્રમને પાકિસ્તાનની વ્યાપક આર્થિક મુશ્કેલીઓ સાથે જોડીને એક પોસ્ટમાં લખ્યું હતું કે ‘પાકિસ્તાન હવે અનિશ્ચિતતાનાં વમળમાં ફરે છે. બેરોજગારી વધી રહી છે, આપણી પ્રતિભાઓ વિદેશમાં સ્થળાંતર કરી રહી છે, લોકોની ખરીદશક્તિ ઘટી ગઈ છે. માઇક્રોસૉફ્ટનું પ્રસ્થાન દેશના ભવિષ્ય માટે મુશ્કેલીજનક સંકેત છે.’