13 December, 2023 12:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિસ હૉન
અબજોપતિ હેજ ફન્ડ મૅનેજર સર ક્રિસ હૉન તેમની રોજની સૅલેરીના આંકડાને લઈને આજકાલ ચર્ચામાં છે. ૨૦૨૩માં તેમણે પોતાની જાતને દરરોજ ૧ મિલ્યન પાઉન્ડ એટલે કે આશરે ૯ કરોડ રૂપિયા ચૂકવ્યા હોવાનો દાવો થાય છે. યસ, અહીં રોજના ૯ કરોડની જ વાત થઈ રહી છે. એક વર્તમાનપત્રના રિપોર્ટ મુજબ ટીસીઆઇ હેજ ફન્ડના ફન્ડ મૅનેજર ક્રિસ હૉને ૨૦૨૩માં દરેક કામકાજના દિવસ માટે પોતાને ઇન્ડિયન કરન્સીની રીતે ગણતરી કરીએ તો ૯ કરોડ રૂપિયાથી વધુ ચૂકવ્યા હતા. આ એક વર્ષ પહેલાં તેમણે એકત્રિત કરેલી રકમનો અડધો ભાગ છે.
ક્રિસ હૉન એક કાર મેકૅનિકના પુત્ર છે અને ૧૯૬૦ના દાયકામાં બ્રિટન ટ્રાન્સફર થયા હતા. તેમણે ૨૦૦૩માં ટીસીઆઇની શરૂઆત કરી હતી અને રિપોર્ટ મુજબ તેમની વ્યક્તિગત સંપત્તિ ૫૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ છે. બ્લૂમબર્ગ બિલ્યનેર્સ ઇન્ડેક્સ અનુસાર તેઓ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિમાં ૪૦૩મો નંબર ધરાવે છે. આ વર્ષની શરૂઆતમાં ‘સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટ’ દ્વારા ક્રિસ હૉનને યુકેના સૌથી ઉદાર માણસ તરીકેનો ખિતાબ આપવામાં આવ્યો હતો.
એક અંદાજ મુજબ તેમની સૅલેરી યુકેમાં ઍવરેજ સૅલેરી કરતાં ૮૦૦૦ ગણી છે તેમ જ યુકેના પ્રાઇમ મિનિસ્ટર રિશી સુનકને મળતી સૅલેરીની તુલનામાં ૧૭૦૦ ગણી છે. ઉલ્લેખનીય છે કે યુકેના પીએમ રિશી સુનકે પણ પૉલિટિશ્યન બનતાં પહેલાં ૨૦૦૬-૨૦૦૯ વચ્ચે ટીસીઆઇ હેજ ફન્ડમાં કામ કર્યું હતું.