News In Short: ફિલિપીન્સમાં ૭.૫ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ

03 December, 2023 11:49 AM IST  |  Manila | Gujarati Mid-day Correspondent

યુરોપિયન-મેડિટેરેનિયન સીસ્મોલૉજિકલ સેન્ટર (ઈએનએસસી)એ જણાવ્યું હતું કે આ ભૂકંપનું કેન્દ્ર જમીનથી  ૬૩ કિલોમીટર ઊંડે હતું. આ ભયંકર ભૂકંપને પગલે ફિલિપીન્સ અને જપાનમાં સુનામીની ચેતવણી આપવામાં આવી હતી. 

ભૂકંપની પ્રતીકાત્મક તસવીર

ફિલિપીન્સના મિંડાનાઓમાં ગઈ કાલે ૭.૫ની તીવ્રતાનો ભૂકંપ આવતાં ધરા ધ્રૂજી ગઈ હતી. યુરોપિયન-મેડિટેરેનિયન સીસ્મોલૉજિકલ સેન્ટર (ઈએનએસસી)એ જણાવ્યું હતું કે આ ભૂકંપનું કેન્દ્ર જમીનથી  ૬૩ કિલોમીટર ઊંડે હતું. આ ભયંકર ભૂકંપને પગલે ફિલિપીન્સ અને જપાનમાં સુનામીની ચેતવણી આપવામાં આવી હતી. 

ફિલિપીન્સ સીસ્મોલૉજી એજન્સી ફિવોલ્ક્સે જણાવ્યું હતું કે ફિલિપીન્સમાં સુનામીની લહેરો અથડાઈ શકે છે. જૅપનીઝ બ્રૉડકાસ્ટર એનએચકેએ જણાવ્યું હતું કે જપાનના વેસ્ટર્ન દરિયાકાંઠે સુનામીનાં એક મીટર ઊંચાં મોજાં ઊછળવાની સંભાવના છે. યુએસ જ્યોગ્રાફિક સર્વેના જણાવ્યા અનુસાર ધરતીકંપની તીવ્રતા ૭.૬ હોવાની શક્યતા છે. 

ગયા મહિને સઘર્ન ફિલિપીન્સમાં આવેલા ૬.૭ તીવ્રતાના ભૂકંપે ૮ લોકોનો જીવ લીધો હતો. ફિલિપીન્સમાં આવતા વારંવારના ભૂકંપને યુએસ જ્યોગ્રાફિક સર્વેએ વિશ્વના મોસ્ટ સેસ્મીકલી અને વૉલ્કનીકલી ઍક્ટિવ ઝોન તરીકે ગણાવ્યો છે. 

ન્યુ ઝીલૅન્ડમાં ખાલિસ્તાનવિરોધી ભારતીયની હત્યાની કોશિશમાં ત્રણ ખાલિસ્તાનીને સજા કરાઈ

ન્યુ ઝીલૅન્ડમાં ઑકલૅન્ડમાં રહેતા પૉપ્યુલર રેડિયો હોસ્ટ હર્નેક સિંહની હત્યાના પ્રયાસ બદલ ત્રણ ખાલિસ્તાની ઉગ્રવાદીઓને સજા આપવામાં આવી છે. નોંધપાત્ર છે કે હર્નેક ખાલિસ્તાનની વિચારધારાનો વિરોધ કરતો રહ્યો છે.

૨૭ વર્ષના સર્વજિત સિદ્ધુને હત્યાની કોશિશ બદલ દોષી ગણાવાયો છે, જ્યારે ૪૪ વર્ષના સુખપ્રીત સિંહને આ અપરાધ કરવામાં મદદ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઑકલૅન્ડમાં રહેતા ૪૮ વર્ષના ત્રીજા વ્યક્તિનું નામ જાહેર કરવા પર કોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ વ્યક્તિએ આ હુમલાનું કાવતરું રચ્યું હતું.

સુનાવણી દરમ્યાન જજ માર્ક વૂલફોર્ડે ભારપૂર્વક કહ્યું હતું કે કટ્ટરવાદી ધાર્મિક વિચારસરણીથી પ્રેરિત હિંસાથી લોકોનું પ્રોટેક્શન કરવા માટે મજબૂત પગલાં લેવાંની જરૂર છે.

૨૦૨૦ની ૨૩ ડિસેમ્બરે આ હુમલો થયો હતો. હર્નેક સિંહ પર ખાલિસ્તાનીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેને ૪૦ ઘા થયા હતા, ૩૫૦થી વધુ ટાંકા લેવા પડ્યા હતા અને અનેક સર્જરી કરાવવી પડી હતી.

ગ્લોબલ વૉર્મિંગ : ધનવાન દેશો નૉલેજ શૅર કરે અને સાથે ફાઇનૅન્શિયલ સપોર્ટ પણ આપે

સંયુક્ત રાષ્ટ્રની ક્લાઇમેટ સમિટના બીજા દિવસે વિકાસશીલ દેશોના લીડર્સે ભારપૂર્વક આવી રજૂઆત કરી

યુએન ક્લાઇમેટ સમિટના બીજા દિવસે ગઈ કાલે વિકાસશીલ દેશોના લીડર્સે ભારપૂર્વક જણાવ્યું હતું કે ધનવાન ઔદ્યોગિક દેશો ગ્લોબલ વૉર્મિંગની સામે લડવા માટે તેમનું નૉલેજ શૅર કરે અને સાથે ફાઇનૅન્શિયલ સપોર્ટ પણ પૂરો પાડે. એટલું જ નહીં, તેમણે હવામાંના પ્રદૂષણ ઘટાડવા માટેના તેમનાં પોતાનાં નૅચરલ રિસોર્સિસ પણ ગર્વ સાથે જણાવ્યાં હતાં. 
૨૮મી ઍન્યુઅલ યુએન કૉન્ફરન્સ ઑફ ધ પાર્ટીઝ એટલે કે COP28 યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં યોજાઈ હતી, જેમાં ૧૫૦ પ્રેસિડન્ટ્સ, વડા પ્રધાનો, રૉયલ પરિવારના સભ્યો અને અન્ય લીડર્સે ભાગ લીધો હતો. 

ખાસ કરીને આફ્રિકાના દેશોના અનેક લીડર્સે ભારપૂર્વક જણાવ્યું હતું કે આફ્રિકામાં રહેલાં જંગલો હવામાં રહેલા વધારાના કાર્બન ડાયોક્સાઇડને મોટા પ્રમાણને શોષે છે. તેમણે એમ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે ધનવાન દેશોની સરખામણીમાં તેમના દેશો ગ્લોબલ વૉર્મિંગ માટે જવાબદાર ગૅસોને ઓછા પ્રમાણમાં છોડે છે.

earthquake philippines international news world news