30 December, 2025 09:06 AM IST | Bangladesh | Gujarati Mid-day Online Correspondent
ખાલિદા ઝિયા
બાંગ્લાદેશનાં પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાનું અવસાન (Khaleda Zia Death) થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેઓ લાંબા સમયથી બીમાર હતાં. ઢાકાની અપોલો હોસ્પિટલમાં તેઓએ 80 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (બીએનપી)નાં આ અધ્યક્ષે આજે સવારે 6 વાગ્યે છેલ્લા શ્વાસ લીધા હતો.
મીડિયા રિપોર્ટ અનુસાર હાર્ટ પ્રોબ્લેમને કારણે તેમને 23 નવેમ્બર, 2025ના રોજ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતાં. આમ છેલ્લા 36 દિવસથી તેઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આ બાબતે પાર્ટીએ એક નિવેદન પણ જારી કર્યું હતું. જેમાં જણાવાયું હતું કે, `બીએનપી અધ્યક્ષ અને પૂર્વ વડાં પ્રધાન બેગમ ખાલિદા ઝિયાનું આજે સવારે 6:00 વાગ્યે ફજરની નમાજ બાદ અવસાન (Khaleda Zia Death) થયું છે. અમે તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ"
ખાલિદા ઝિયાનો જન્મ 15 ઓગસ્ટ 1945ના રોજ થયો હતો. તેઓ બાંગ્લાદેશના સ્થાપક ઝિયા ઉર રહેમાનનાં પત્ની હતાં. તેમણે ઝિયા ઉર રહેમાનની હત્યા બાદ રાજકારણમાં એન્ટ્રી લીધી હતી. આ બીએનપીના નેતા બે વાર બાંગ્લાદેશનાં વડાં પ્રધાન બન્યાં હતાં. તેઓએ પોતાના કાર્યકાળ દરમિયાન બાંગ્લાદેશમાં ઘણા વિકાસકાર્યો કર્યા હતા.
ખાલિદા ઝિયા (Khaleda Zia Death)ની રાજનૈતિક સફર વિષે વાત કરવામાં આવે તો તેઓ બાંગ્લાદેશનાં પ્રથમ મહિલા વડાં પ્રધાન હતાં. તેઓએ 1991થી 1996 સુધી અને ફરીથી 2001થી 2006 સુધી વડાં પ્રધાન તરીકે પદભાર સંભાળ્યો હતો. તેમનો પુત્ર તારિક રહેમાન તાજેતરમાં જ તેની પત્ની અને પુત્રી સાથે બાંગ્લાદેશ પરત આવ્યો છે.
તમને જણાવી દઈએ કે તેમની સામે ભ્રષ્ટાચારના સુદ્ધા આરોપ મૂકવામાં આવ્યા હતા. જે બાદ તેઓને 2018માં જેલની સજા પણ સંભળાવવામાં આવી હતી જોકે નાદુરસ્ત તબિયતને પગલે તેઓને જેલમુક્તિ મળી હતી. છતાં પણ તેઓને નજરકેદ રખાયાં હતાં.
Khaleda Zia Death: અહેવાલો મળી રહ્યા છે કે ખાલિદા ઝિયાએ અંતિમ શ્વાસ લીધા હતા ત્યારે હોસ્પિટલમાં પાર્ટીના નેતાઓ હાજર હતા. આ બાબતે બીએનપીની પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે તે સમયે બીએનપીના એક્ટિંગ ચેરપર્સન તારીક રહમાન, જુબેદા રહમાન, જાઈમા રહમાન, શર્મીલી રહમાન, શમિમ એસકંદર, સેલિના ઇસ્લામ, બીએનપીના સેક્રેટરી જનરલ મિર્જા ફખરૂલ ઇસ્લામ આલમગીર વગેરે હાજર હતાં. બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (બીએનપી)ની સ્થાપના ભૂતપૂર્વ વડા પ્રધાન ઝિયા-ઉર રહમાન દ્વારા કરવામાં આવી હતી. પછી તેમની પત્ની ખાલિદા ઝિયા નેતૃત્વ કરતાં હતા. આ પક્ષ 1979,1991,1996,2001માં પણ સત્તા મેળવવામાં સફળ રહ્યો છે. શેખ હસીનાના શાસનકાળ દરમિયાન બાંગ્લાદેશમાં બીએનપી મુખ્ય વિરોધ પક્ષ હતો. બીએનપીએ 2024ની સામાન્ય ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીના અધ્યક્ષના મોત બાદ જાણે બાંગ્લાદેશની લોકતાંત્રિકતાના એક મહત્વપૂર્ણ અધ્યાયનો અંત આવી ગયો છે.