જૉન્સન ઍન્ડ જૉન્સન બેબી ટૅલ્કમ પાઉડર વેચવાનું શા માટે બંધ કરશે?

13 August, 2022 09:39 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

આવતા વર્ષે એટલે કે ૨૦૨૩થી આખી દુનિયામાં આ કંપની બેબી ટૅલ્કમ પાઉડર નહીં વેચે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

જૉન્સન ઍન્ડ જૉન્સન કંપની પોતાનો બેબી ટૅલ્કમ પાઉડર વેચવાનું બંધ કરવા જઈ રહી છે. આવતા વર્ષે એટલે કે ૨૦૨૩થી આખી દુનિયામાં આ કંપની બેબી ટૅલ્કમ પાઉડર નહીં વેચે. આ કંપની અમેરિકા અને કૅનેડામાં તો પહેલાં જ ટૅલ્કમ પાઉડર વેચવાનું બંધ કરી ચૂકી છે. હવે આ કંપની માર્કેટમાં કૉર્નસ્ટાર્ચ-બેઝ્ડ પાઉડર લાવશે. આખરે જૉન્સન ઍન્ડ જૉન્સન ટૅલ્કમ પાઉડરનું પ્રોડક્શન અને વેચાણ શા માટે બંધ કરવા જઈ રહી છે? વાસ્તવમાં એનું કારણ એ છે કે ટૅલ્કમ પાઉડરને લઈને આખી દુનિયામાં દાવા કરવામાં આવી રહ્યા છે કે એના ઉપયોગથી કૅન્સરનું જોખમ છે. જોકે જૉન્સન ઍન્ડ જૉન્સનનો દાવો છે કે એ પાઉડર સેફ છે, પણ કૅન્સરના જોખમની જાણકારી બહાર આવતાં એના વેચાણ પર અસર થઈ છે.

મીડિયાના રિપોર્ટ્સ અનુસાર આ કંપનીની વિરુદ્ધ ૩૮,૦૦૦થી પણ વધારે કેસ ચાલી રહ્યા છે. અનેક મહિલાઓએ દાવો કર્યો છે કે આ પાઉડરના ઉપયોગને કારણે તેમને કૅન્સર થયું છે. આ કંપનીએ છેલ્લાં પાંચ વર્ષમાં જુદા-જુદા કેસમાં એક અબજ ડૉલર (૭૯.૬૮ અબજ રૂપિયા)થી વધુનું વળતર ચૂકવ્યું છે. 

international news