08 September, 2025 10:44 AM IST | Tokyo | Gujarati Mid-day Correspondent
જપાનના વડા પ્રધાન શિગેરુ ઇશિબા
જપાનના વડા પ્રધાન શિગેરુ ઇશિબાએ શાસક લિબરલ ડેમોક્રૅટિક પાર્ટી (LDP)માં ભાગલા ટાળવા માટે રાજીનામું આપવાની જાહેરાત કરી છે. ગયા વર્ષે સત્તામાં આવ્યા પછી LDPના નેતૃત્વ હેઠળના ગઠબંધને સંસદનાં બન્ને ગૃહોની ચૂંટણીમાં બહુમતી ગુમાવી દીધી છે. LDPના જનપ્રતિનિધિઓ આજે નેતૃત્વ અંગે નિર્ણય લેવા માટે મતદાન કરશે.
શિગેરુ ઇશિબાની ગઠબંધન સરકારે જુલાઈમાં યોજાયેલી ઉપલા ગૃહ (હાઉસ ઑફ કાઉન્સેલર્સ)ની ચૂંટણીમાં પરાજય મેળવ્યો હતો. ઇશિબાએ તાજેતરમાં જ આ માટે માફી માગી હતી અને કહ્યું હતું કે તેઓ રાજીનામું આપવા તૈયાર છે. ચૂંટણીમાં પરાજય બાદ LDPમાં ઇશિબાને પદ પરથી દૂર કરવા માટેની ચળવળ વધુ તીવ્ર બની હતી. પાર્ટીના કેટલાક નેતાઓ અને સંસદસભ્યોએ તેમના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા હતા જેના કારણે તેમની સ્થિતિ નબળી પડી હતી.