17 May, 2025 08:08 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
૬૪ વર્ષના જેમ્સ કોમીએ એક બીચ પર છીપલાંની મદદથી રેતીમાં 8647 એવા આંકડા લખીને તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી
ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ભૂતપૂર્વ ડિરેક્ટર જેમ્સ કોમી સામે અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પની હત્યા માટે કાવતરું ઘડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ૬૪ વર્ષના જેમ્સ કોમીએ એક બીચ પર છીપલાંની મદદથી રેતીમાં 8647 એવા આંકડા લખીને તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. આ પોસ્ટ જોઈને ડોનલ્ડ ટ્રમ્પના દીકરા ડોનલ્ડ ટ્રમ્પ જુનિયરે લખ્યું હતું કે આકસ્મિક રીતે તમે મારા પિતાની હત્યા કરવાનો સંદેશ આપી રહ્યા છો.
86નો આંકડો અમેરિકામાં કોઈનો કાંટો કાઢી નાખવાના સંદર્ભમાં વપરાય છે, તથા 47 એ 47મા અમેરિકન પ્રેસિડન્ટનો સંદર્ભ હોઈ શકે છે. જેમ્સ કોમીએ હજી સુધી આવા દાવાઓનો જવાબ આપ્યો નથી. જોકે હત્યા કે હત્યાના દાવાઓને સમર્થન આપવા માટે ટ્રમ્પ જુનિયરે કોઈ નક્કર પુરાવા આપ્યા નથી. વાઇટ હાઉસે હજી સુધી સોશ્યલ મીડિયા પર આ દાવાઓનો જવાબ આપ્યો નથી.