જૈશ-એ-મોહમ્મદ હવે મહિલા આતંકવાદીઓ ઉતારશે

10 October, 2025 10:24 AM IST  |  Pakistan | Gujarati Mid-day Correspondent

જૈશ-એ-મોહમ્મદે હવે આતંકવાદીઓની પત્નીઓને અને ગરીબ મહિલાઓને તાલીમ આપવાની શરૂઆત કરી છે.

જૈશ-એ-મોહમ્મદ

પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે પહેલી વાર મહિલા આતંકવાદીઓનું એક અલગ યુનિટ તૈયાર કર્યું છે, જેનું નામ આપ્યું છે ‘જમાત-ઉલ-મોમિનાત’. આ નવા સંગઠનની જાહેરાત ગ્લોબલ આતંકવાદી મૌલાના મસૂદ અઝહરના નામે બહાર પડેલા એક પત્ર દ્વારા બહાર આવી હતી. પત્રમાં લખ્યા મુજબ આ નવા યુનિટમાં ભરતીની પ્રક્રિયા ૮ ઑક્ટોબરથી પાકિસ્તાનના બહાવલપુરમાં મરકઝ ઉસ્માન-ઓ અલીમાં શરૂ થઈ ગઈ છે. મહિલાઓના સંગઠનનું નેતૃત્વ મસૂદ અઝહરની બહેન સાદિયા સંભાળવાની છે. સાદિયાનો પતિ યુસુફ અઝહર ૭ મેના ઑપરેશન સિંદૂરના અટૅકમાં માર્યો ગયો હતો.

જૈશ-એ-મોહમ્મદે હવે આતંકવાદીઓની પત્નીઓને અને ગરીબ મહિલાઓને તાલીમ આપવાની શરૂઆત કરી છે. આ મહિલાઓ બહાવલપુર, કરાચી, મુઝફ્ફરાબાદ, કોટલી, હરિપુર અને મંસેહરાની મદરેસામાં ભણે છે. એવી આશંકા જતાવાઈ રહી છે કે મહિલા આતંકવાદીઓને આત્મઘાતી હુમલાઓ માટે તૈયાર કરવામાં આવી શકે છે. 

હવે આવ્યો પૅરાગ્લાઇડર બૉમ્બર

મ્યાનમારની ચાઉંગ યુ ટાઉનશિપમાં બૌદ્ધ ફેસ્ટિવલ ચાલી રહ્યો હતો ત્યારે એક મોટર-પાવર્ડ પૅરાગ્લાઇડરે ભીડ પર બે બૉમ્બ ફેંક્યા હતા જેને કારણે લગભગ ૨૪ લોકો માર્યા ગયા હતા અને ૪૭ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના ત્યારે ઘટી જ્યારે લોકો લાઇટિંગનો બૌદ્ધ ફેસ્ટિવલ મનાવવા ભેગા થયા હતા.

international news world news pakistan jaish e mohammad