ઈરાનના નતાન્ઝ પરમાણુમથક પર ઇઝરાયલે બીજી વાર કર્યો ભીષણ હવાઈ હુમલો

22 March, 2026 09:39 AM IST  |  Iran | Gujarati Mid-day Correspondent

ઈરાની સરકારી મીડિયા અને પરમાણુ ઊર્જા સંગઠને કહ્યું કે કોઈ રેડિયેશન લીકેજ નથી થયું

નતાન્ઝ પરમાણુ મથક

મિડલ ઈસ્ટમાં છેલ્લા બાવીસ દિવસથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે શનિવારે વહેલી સવારે અમેરિકા અને ઇઝરાયલનાં દળોએ ઈરાનના સૌથી સંવેદનશીલ નતાન્ઝ પરમાણુ સંવર્ધન મથકને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા હતા. ઈરાની સરકારી મીડિયા અને પરમાણુ ઊર્જા સંગઠને આ હુમલાની પુષ્ટિ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર તેહરાનથી લગભગ ૨૨૦ કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં આવેલા નતાન્ઝ પરમાણુ સંકુલ પર આ હુમલો કરવામાં આવ્યો હતો. જોકે રાહતની વાત એ છે કે આ હુમલા બાદ કોઈ પણ પ્રકારના કિરણોત્સર્ગી પદાર્થોના ગળતરના અહેવાલ નથી. ઈરાની સત્તાવાળાઓએ જણાવ્યું છે કે આસપાસના રહેણાક વિસ્તારોમાં કોઈ ખતરો નથી અને ટેક્નિકલ ટીમો દ્વારા પરિસ્થિતિનું સતત મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.

આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ઈરાન અને ઇઝરાયલ-અમેરિકા વચ્ચેનું યુદ્ધ ચોથા સપ્તાહમાં પ્રવેશી ચૂક્યું છે. અગાઉ જૂન ૨૦૨૫ દરમ્યાન થયેલા ૧૨ દિવસના યુદ્ધના પ્રથમ સપ્તાહમાં પણ નતાન્ઝ પરમાણુમથકને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં માત્ર કેટલીક ઇમારતોને નુકસાન થયું હોવાનું સૅટેલાઇટ તસવીરોમાં જણાયું હતું. ઇઝરાયલના રક્ષાપ્રધાન ઇઝરાયલ કાત્ઝે ચેતવણી આપી છે કે આગામી સપ્તાહથી ઈરાન પરના હુમલાઓની તીવ્રતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવશે.

international news world news iran israel middle east crisis