17 June, 2025 10:40 AM IST | Jerusalem | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઇઝરાયલે રવિવારે કહ્યું હતું કે એણે ઈરાનના મશહદ ઍરપોર્ટ પર ઈંધણ ભરતા વિમાન પર હુમલો કર્યો હતો, જે ઇઝરાયલથી લગભગ ૨૩૦૦ કિલોમીટર (૧૪૩૦ માઇલ) દૂર છે. આ હુમલો ઑપરેશન રાઇઝિંગ લાયનની શરૂઆત પછી સૌથી લાંબી રેન્જનો હુમલો હોવાનો દાવો ઇઝરાયલે કર્યો હતો. ઇઝરાયલના હુમલા પછી ઈરાનના મશહદ ઍરપોર્ટ પરથી કાળા ધુમાડા અને જ્વાળાઓ નીકળતાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.
૧૩ જૂને ઇઝરાયલે ઈરાનમાં પરમાણુ અને લશ્કરી-સ્થળો પર હુમલો કર્યા પછી સંઘર્ષ શરૂ થયો હતો. ઈરાનના પરમાણુ અને બૅલેસ્ટિક મિસાઇલ કાર્યક્રમો સામે ચાલી રહેલા અભિયાનના ત્રીજા દિવસે ઇઝરાયલે ઈરાનમાં ડઝનબંધ સ્થળો પર હુમલો કર્યો હતો; જેમાં ઊર્જાસ્થળો, રડાર-સિસ્ટમ્સ અને બૅલેસ્ટિક મિસાઇલો અને તેમના લૉન્ચર્સનો સમાવેશ થાય છે. ઇઝરાયલે ઈરાનના ટોચના ગુપ્તચર અધિકારીઓને મારી નાખ્યા હતા. સોમવારે વહેલી સવારે ઇઝરાયલી સેનાએ કહ્યું કે એણે મધ્ય ઈરાનમાં સરફેસ-ટુ-સરફેસ મિસાઇલ લૉન્ચ સ્થળો પર હુમલો કર્યો હતો.