20 June, 2026 10:48 AM IST | Jerusalem | Gujarati Mid-day Correspondent
દક્ષિણ લેબૅનનમાં ઇઝરાયલે ગુરુવારે કરેલા હુમલામાં તબાહ થયેલા ઘર અને દુકાનો
મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા ભયાનક સંઘર્ષ વચ્ચે ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે આખરે સત્તાવાર યુદ્ધવિરામ લાગુ થવા જઈ રહ્યો છે. અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીએ આ અંગે પુષ્ટિ કરી છે. આ મહત્ત્વપૂર્ણ શાંતિકરાર કરાવવામાં અમેરિકા અને કતરના મધ્યસ્થોની સાથે ઈરાને પણ મોટી ભૂમિકા ભજવી છે. બુધવારે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા અસ્થાયી કરાર બાદ ગઈ કાલે રાત્રે અચાનક હિંસા ભડકી ઊઠી હતી જેને કારણે આ આખી શાંતિપ્રક્રિયા જોખમમાં મુકાઈ ગઈ હતી. જોકે ત્રણેય દેશોના સઘન પ્રયાસોને અંતે બન્ને પક્ષો યુદ્ધવિરામ માટે આખરે સંમત થયા છે.
ગુરુવારે રાત્રે ઇઝરાયલના હવાઈ હુમલામાં લેબૅનનમાં આશરે ૧૮ લોકોનાં મોત થયાં હોવાનું લેબૅનનના આરોગ્યપ્રધાન હેઠળના વિભાગે જણાવ્યું હતું. બીજી તરફ દક્ષિણ લેબૅનનમાં હિઝબુલ્લાના વળતા પ્રહારમાં ઇઝરાયલના ૪ સૈનિકો માર્યા ગયા હતા જે આ યુદ્ધનો અત્યાર સુધીનો સૌથી ઘાતક હુમલો હતો.
ઈરાને હિઝબુલ્લાને સ્પષ્ટ કર્યું હતું કે સંપૂર્ણ યુદ્ધવિરામ વિના વાતચીત આગળ વધી શકે નહીં; આ નવા શાંતિકરાર મુજબ અમેરિકા, ઈરાન અને એમના તમામ સહયોગી પક્ષોએ લેબૅનન સહિત તમામ મોરચે સૈન્યની કામગીરી તાત્કાલિક અને કાયમી ધોરણે બંધ કરવી પડશે.